Get The App

ગોહિલવાડમાં પૂ.જલારામબાપાની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
ગોહિલવાડમાં પૂ.જલારામબાપાની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી 1 - image


- ભાવનગર શહેર અને જિલ્લો જલારામમય બન્યો...

- મહાપૂજન, અર્ચન, અન્નકુટ, મેડીકલ અને રકતદાન કેમ્પ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા, ચોમેર જય જલિયાણનો નાદ ગૂંજયો

ભાવનગર : રામ નામ મે લીન હૈ, દેખત સબ પે રામ... તેમજ જયા ટુકડો ત્યાં હરિ ઢુકડોના મહામંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરનાર સૌરાષ્ટ્રવાસીઓના શ્રધ્ધેય વિશ્વ વંદનીય સંત શિરોમણી પરમ પૂજય જલારામબાપાની ૨૨૫ મી જન્મ જયંતિની ગોહિલવાડમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અત્ર, તત્ર અને સર્વત્ર મહાપૂજન, ધ્વજાપૂજન-અર્ચન,અન્નકુટના દર્શન, સત્સંગ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે સેવાકીય અને આરોગ્યલક્ષી પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી.જલારામ મંદિરોમાં જાણે કે બીજી દિવાળી હોય તેવો અનેરો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં લાખો શ્રધ્ધાળુઓની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન સંત શિરોમણી પરમ પૂજય જલારામબાપાની જન્મજયંતિની ભકિતમય માહોલમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળા ચોમેર જય જલિયાણનો ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠયો હતો. તમામ જલારામ મંદિરોમાં અને રઘુવંશી પરિવારોએ તેમના ઘરના આંગણે કલાત્મક રંગોળીની સાથે ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરીને પૂ.બાપાના જન્મદિનના હરખભેર વધામણા કર્યા હતા. આ નિમીત્તે શહેરના આનંદનગર, વિઠ્ઠલવાડી, ખારગેટમાં જલારામધામ, લોહાણા મહાજનવાડી, વ્રજ વિહાર હોલ, લોહાણા બોર્ડિંગ તેમજ કાળીયાબીડના સદગુરૂ આશ્રમ સહિતના અનેકવિધ સ્થળોએ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જલારામધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના આનંદનગરમાં આવેલા જલારામ મંદિરમાં સવારે પૂ.બાપાનું પૂજન અર્ચન કરાયુ હતુ. આ સાથે બાપાને ૨૨૫ થી વધુ વાનગીઓનો અન્નકુટ ધરાયો હતો. આ સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર શાખા દ્વારા મેડીકલ કેમ્પ, રકતદાન કેમ્પ યોજાયા હતા. તેમજ ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્પપત્રો ભરાયા હતા. આ તકે સર્વજ્ઞાાતિના ભકતો માટે મહાપ્રસાદ યોજાયેલ જેનો અંદાજે ૨૦,૦૦૦ થી વધુ ભાવિકોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી. જયારે ખારગેટ ખાતેના જલારામધામ મંદિરમાં દિપમાળા સાથે આરતી, પૂજન,ધ્વજારોહણ અન્નકુટના દર્શન અને મહાપ્રસાદ યોજાયેલ. જયારે સાંજે પરંપરાગત રાજમાર્ગો પરથી એક વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી. તેમજ કાળીયાબીડના સદગુરૂ આશ્રમમાં સત્યનારાયણ ભગવાનની કથા, ધજાપૂજન, જલારામબાપાની પ્રતિમાનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયેલ. જયારે હરિ પરિવારના સહયોગથી ઠકકર સોશ્યલગૃપ દ્વારા વ્રજ વિહાર હોલમાં  પૂજન, સંગીતમય સુંદરકાંડ, માતાજીનું સ્થાનક, ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ , મહાઆરતી,મહાધૂન અને મહાપ્રસાદ યોજાયેલ. જલારામ જયંતિને લઈને ચોમેર અનેક સ્થળોએ ભકિતમય કાર્યક્રમો યોજાતા જેને લઈને ગોહિલવાડ જલારામમય બની જવા પામેલ.


Google NewsGoogle News