દશેરા પર્વે ચોળાફળી અને જલેબીની જયાફત માણવી મોંઘી પડશે
- તહેવારોમાં મીઠાઈ આરોગવાનું અનન્ય મહાત્મ્ય યથાવત
- ભાવનગર શહેરમાં વિક્રેતાઓ દ્વારા ઠેર ઠેર મંડપ ઉભા કરાયા,ભાવ વધ્યા છતાં માંગમાં ઉછાળો
દેવી ઉપાસનાના નવરાત્રિ મહોત્સવના સમાપન અવસરે આવતા વિજયાદશમીના મહાપર્વે ચોળાફળી, જલેબી તેમજ અવનવી મીઠાઈઓ આરોગવાનું લોકોમાં સવિશેષ મહાત્મ્ય રહેલુ હોય શહેરના નામાંકિત મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ, કેટરર્સ, કંદોયાઓ દ્વારા તેના વેચાણ અંગેની પ્રક્રિયાને સોમવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ વર્ષે ચોળાફળી, કેસરયુકત અને શુધ્ધ ઘીની જોધપુરની જલેબી અને મીકસ મીઠાઈની બનાવટમાં વપરાતા વિવિધ રો મટીરીયલ્સ, ટ્રાન્સપોર્ટેશન તેમજ મજુરી દરમાં થયેલા વધારાના કારણે તેના ભાવમાં સરેરાશ ૧૦ થી ૧૫ ટકાનો ભાવવધારો ઝીંકાતા દશેરા પર્વે આ ખાદ્યસામગ્રીઓની જયાફત માણવી સૌ કોઈને મોંઘી પડશે. તેમ છતાં વિક્રેતાઓને ત્યાં તહેવારને અનુલક્ષીને તડાકો બોલશે અને લોકો લાખો રૂપીયાની આ ખાદ્યસામગ્રીઓ ઝાપટી જશે. ચોળાફળી રૂા ૬૦ થી રૂા ૮૦ ની અઢીસો ગ્રામ લેખે વેચાઈ રહેલ છે. આ ખાદ્યસામગ્રીઓના વેચાણ માટે શહેરમાં વિવિધ ચોક, સર્કલ, સાર્વજનિક સ્થળોએ કાઉન્ટર્સ અને મંડપો ઉભા કરાયા છે એટલુ જ નહિ તે અંગેની જાહેરાતની ઈમેજ સોશ્યલ મિડીયા અને પ્રચાર માધ્યમોમાં થઈ રહેલ હોય તેઓને એડવાન્સમાં પુછપરછ અને બુકીંગ પણ થઈ રહ્યા છે.
કર્મચારીઓને મીઠાઈના બોકસ આપવાનું ચલણ યથાવત
ભાવનગરમાં આવેલા મોટા ઉદ્યોગગૃહો, કોર્પોરેટ એકમો, ખાનગી કંપનીઓ, નામાંકિત પેઢીઓ અને પ્રતિષ્ઠિત પરિવારો દ્વારા દિવાળીના તહેવારની જેમ દશેરાના તહેવારમાં પણ તેમના કર્મચારીઓ અને કામદારો માટે નીયત જથ્થામાં મીકસ મીઠાઈ, ચોળાફળી કે ફરસાણના પેકેટ આપવાનો વર્ષોજુનો સિલસિલો આજની તારીખે પણ યથાવત જોવા મળી રહ્યો છે.