ચોક્કસ ઇનપુટ મળતાં સલાયા બંદરે સઘન ચેકિંગ
- મધદરિયે ફિશિંગ કરતી બોટો, વહાણોની પણ તપાસ
સલાયા, તા.૫ જાન્યુઆરી 2021, મંગળવાર
રાજ્યના ગૃહ વિભાગને ગુપ્તચર એજન્સીઓ તરફથી ચોક્કસ પ્રકારના ઇનપુટ મળતાં ગઈ કાલથી સતર્ક થયેલા સુરક્ષા તંત્ર દ્વારા સલાયા બંદર ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સલાયા બંદર, હાઇવે પર પોલીસ વ્યાપક તપાસ કરી રહેલી જોવા મળી હતી. છેલ્લા ૩૬ કલાકથી સલાયા પોલીસ સ્ટેશન, સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના જવાનો સાથે ખુદ જિલ્લા પોલીસવડા પણ આ ચેકિંગ કાર્યવાહીમાં જોડાયા હતા.
મધદરિયે માછીમારી કરતી બોટો તથા વહાણોની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત રાતે પણ એસપી જાતે અહીં હાજર હતા.
આ અંગે સલાયા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવતાં માત્ર ‘ઇનપુટના આધારે તપાસ કાર્યવાહી ચાલી રહી છે’ તેવું જાણવા મળ્યું છે.