વાઈબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ
- ભાવનગરને ગાંઠિયા પેંડા સિવાયના ઉદ્યોગોમાં આગળ વધારવાનો પ્રયાસ
- નવા ઉદ્યોગ સાહસિકો તથા નવા સ્ટાર્ટ અપને ઈન્ડસ્ટ્રીયલ લિંકેજ આપવા પ્લેટફોર્મ બનશે વાઈબ્રન્ટ ભાવનગર
શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સપોનું શુભારંભ થયો છે. ચાર દિવસ ચાલનારા આ એક્સ્પોમાં ભાવનગરના ઉદ્યોગકારોને પોતાનો બિઝનેસ વિસ્તારવા અને નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એક્સ્પોના ઉદ્ધાટન પહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતુ. વાઈબ્રન્ટ ભાવનગર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સપોમાં ભાવનગરના જુદાં-જુદાં ઉદ્યોગો જેવા કે બિલ્ડર, બિલ્ડિંગ મટિરિયલ, બેંક, પ્લાસ્ટીક ઉદ્યોગ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ કુલ ૨૨૫ સ્ટોલ લગાવાયા છે. તેમજ ભાવનગરના નવા સ્ટાર્ટઅપના ૧૦ સ્ટોલ લાગ્યા છે. મહત્વની વાત એ છે કે સ્ટાર્ટ માટેના સ્ટોલનું કોઈ ભાડું નથી લેવાયું. ભાવનગર જે-જે દેશોમાં એક્સ્પોર્ટ કરે છે એ દેશોના ફ્લેગ એક્સ્પોના આયોજન સ્થળ પર લગાવાયા છે. આ આયોજનથી ભાવનગરના સારા સ્ટાર્ટઅપ આઈડિયાને ઈન્ડસ્ટ્રીયઅ લિંકેજ મળશે. આ એક્સ્પોમાં મોટો ઉદ્યોગકારો આવશે જેથી ભાવનગરના ઉદ્યોગ સાહસિકો માટે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પો એક મહત્વનું મંચ બનશે.
નવા સ્ટાર્ટઅપન આગળ લાવવા પ્રોત્સાહિત કરીશું
કાર્યક્રમના કી નોટ સ્પિકર ચિરાગ પારેખે જણાવ્યું હતું કે, આ ટ્રેડ ફેરમાં આવેલા ડિફરન્ટ આઈડિયા સાથેના સ્ટાર્ટઅપ કે જેનો આઈડિયા આગળના ભવિષ્યની જરુરિયાત હોય અને લાંબુ આયુષ્ય હોય તેની વિગતો મેળવી તે આઈડિયાને આગળ લઈ જવા પ્રયાસ કરીશું. ભાવનગરના યુવાનો ઉદ્યોગસાહસિક બને તે જરુરી છે અને એક્સ્પોમાં આવનારા સારા સ્ટાર્ટઅપને અમે મદદ કરીશું.
દર બે વર્ષે વાઈબ્રન્ટ ભાવનગર આયોજીત થશે
સૌરષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વાઈબ્રન્ટ ભાવનગ૨ ૨૦૨૦માં આયોજન કરવાના હતા પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે વર્ષ ૨૦૨૩માં આ આયોજન થયું છે તથા મંચ પરથી એવી જ જાહેરાત કરવામાં આવી હતી કે, હવેથી વાઈબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પો દર બે વર્ષે આયોજીત થશે.