Get The App

જાફરાબાદના વોર્ડ નં.5 માં ભૂગર્ભ ગટરના પાણી પ્રસરી રહ્યા હોય લોકોને હાલાકી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
જાફરાબાદના વોર્ડ નં.5 માં ભૂગર્ભ ગટરના પાણી પ્રસરી રહ્યા હોય લોકોને હાલાકી 1 - image


- સામા કાંઠા તલાવડીમાં સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં 

- સાંઈબાબા મંદિરના વિસ્તારમાં 8 દિવસે પણ પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો આપવામાં ધાંધીયા 

રાજુલા : જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેરીજનો પ્રત્યે જાણે કે,ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યુ હોય લાંબા સમયથી વિવિધ વિસ્તારોમાં આવશ્યક સુવિધાઓ આપવામાં અખાડા કરાઈ રહ્યા છે.જેના કારણે નાગરિકોમાં કચવાટ વ્યાપેલ છે. 

જાફરાબાદના તુર્કી મહોલ્લા વોર્ડ નં.૫ માં ભૂગર્ભ ગટરના દુર્ગંધયુકત પાણી ચોતરફ પ્રસરી રહ્યા છે જે હવે રોડ પર આવી રહ્યા છે. હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહોરમનો તહેવાર ચાલી રહ્યો હોય તેમ છતાં નગરપાલિકા દ્વારા આજદિન સુધી ચોકસાઈપુર્ણ રીતે સાફસફાઈ કરવામાં આવી નથી.જેના કારણે આ વિસ્તાર ગંદકીમાં ગરકાવ થઈ ગયો છે. જાફરાબાદના વોર્ડ નં.૫ પ્રત્યે સત્તાધીશો જાણે કે, ઓરમાયુ વર્તન દાખવી રહ્યા હોય આવશ્ય સુવિધાઓ આપવામાં અખાડા કરાઈ રહ્યા છે. ગંદકીનુ દુષિત પાણી લોકોના ઘરઆંગણે વહી રહ્યુ છે. જેને લઈને ગંભીર રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહેલ છે. નગરપાલિકાની અણઆવડતને લઈને પ્રાથમિક સુવિધાઓ ખાડે ગઈ છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીમાં થયેલા ધાંધીયાના કારણે છાસવારે ડ્રેનેજલાઈન છાસવારે ઓવરફલો થઈ રહી છે. જેના કારણે રહિશોને ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત સામા કાંઠે આવેલા સાઈબાબા મંદિરના વિસ્તારમાં આઠ દિવસે પણ પાણી મળતુ નથી. હાલમાં આ વિસ્તારમાં એકબાજુ લગ્નસરાની સીઝન ધમધમી રહી હોય તેવા સમયે જ પાણીના ધાંધીયા શરૂ થતા લોકોમાં રોષ વ્યાપેલ છે. તેમજ સામા કાંઠા તલાવડી વિસ્તારમાં આવેલી સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં છે. સામાન્ય વરસાદી ઝાપટા પડતાની સાથે જ આ સ્ટ્રીટલાઈટ બંધ થઈ ગઈ હોય રહિશોને હાલાકી વેઠવી પડે છે. આ બાબતે પાલિકા દ્વારા નકકર કાર્યવાહી હાથ ધરાય તેવી રહિશોમાં માંગ ઉઠવા પામેલ છે.


Google NewsGoogle News