વાંકાનેરમાં ડોક્ટરને શિકાર બનાવવા માટે આવેલી ધાડપાડુ ગેંગ ઝડપાઇ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વાંકાનેરમાં ડોક્ટરને શિકાર બનાવવા માટે આવેલી ધાડપાડુ ગેંગ ઝડપાઇ 1 - image


સિટી પોલીસ અને એલસીબી ટીમનું સફળ ઓપરેશન

લૂંટ-ધાડમાં સફળ ન થાય તો ડોક્ટરનું અપહરણ કરીને ડરાવી-ધમકાવી મોટી રકમની ખંડણી વસૂલવાનો પ્લાન ઘડનાર સગીર સહિત આઠ શખ્સોની ધરપકડ

મોરબી: વાંકાનેરમાં ડોકટરને લૂંટવાનો પ્લાન ઘડીને અંજામ આપવા આવેલા એક તરૂણ અને અન્ય સાત શખ્સોને પોલીસે હથિયારો સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂા.૨૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસ મથકના પી.એસ.આઈ. ડી. વી. કાનાણી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે. એક ગેંગ કે, જે મોરબી, રાજકોટ, જામનગર વિસ્તારમાં લૂંટ, ધાડ માટે પ્લાન કરે છે. જે વાંકાનેરમાં આર્યુર્વેદિક દવાના વ્યવસાય સાથે સંકળાર્યેા મૂળ અમદાવાદનાં  ડો. ભરતસિંહ રાજપૂતને બે કાળા કલરની સ્કોર્પીઓ કારમાં આવીને ઘાડ પાડવાની તૈયારી સાથે હથિયારો સાથે આટાફેરા કરી રહી છે.  જો લુંટ, ધાડ પાડવામાં સફળ ન થાય તો  ડો. ભરતસિંહ રાજપૂત પાસેથી મોટી રકમ વસૂલવાના ઇરાદે અપહરણ કરી ડરાવી ધમકાવી તેની પાસેથી ખંડણી વસૂલવાના છે. જે બે સ્કોર્પીયો કારમાં છે. 

આ બાતમીના મળતા વાંકાનેર પોલીસે અને એલસીબીના પીએસઆઈ કે.એચ. ભોચીયા સહિતની ટીમેં સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાંકાનેર રાજકોટ રોડ પર  ગોકુલનગર સોસાયટી સામે રોડ ઉપર વોચ ગોઠવી વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. એ વખતે બાતમી અનુસારની સ્કોર્પીયો કાર નીકળતા બંને કારને અટકાવી તલાસી લેતા તેમાં આરોપીઓ પીસ્તોલ,છરી, લાકડાના ધોકા સહિતના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછતા આરોપીઓએ બાતમી અનુસારના ગુનાની કબુલાત આપી હતી.

જેમાં જામકંડોરણા ખાતે રહેતા મુખ્ય આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા એક સગીર ઉપરાંત મહારાષ્ટ્રિયન ઈસમો આરોપી સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે, રાજેશ કેદારપ્રસાદ રામાણી, સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ, વિશાલ નારાયણ સોનવણે, વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા અને અનીલ ઉર્ફે અલબટ લાહાનીયા જીંબલ સાથે મળીને હથિયારો સાથે ધાડ પાડે એ પૂર્વે જ તમામની ધરપકડ કરી હતી.

.પોલીસે આરોપીઓ પાસેથી પીસ્તોલ નંગ-૧, જીવતા કાર્ટીસ નંગ-૬, , ખાલી મેગ્જીન નંગ-૧ , એરગન એક , છરી નંગ-૪,લાકડાના ધોકા નંગ-૨, મોબાઇલ ફોન નંગ ૮ , તથા સ્કોર્પીયો ગાડી-૨ સહિત રૂા.૨૫.૫૨ લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જૂની માથાકૂટનો બદલો લેવા ડોક્ટરને ત્યાં ધાડ પડવાના હતા 

આરોપી રવિરાજસિંહને ૪-૫ મહિના અગાઉ ડોક્ટર ભરતસિહ રજપૂત સાથે અમદવાદ ખાતે માથાકૂટ થઇ હતી. બાદમાં રવિરાજસિંહે અન્ય શખ્સોએ સાથે મળીને ધાડ, લુંટ અને અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ પોલીસે તમામને ઝડપી પાડી પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.

મુખ્ય આરોપી રવિરાજનો મોટો ગુનાઈત ઈતિહાસ 

મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા વિરદ્ધ જામનગર બી ડીવીઝન પોલીસ, રાજકોટ તાલુકા પોલીસ, જામનગર સી ડીવીઝન પોલીસ મથક સહિતના પોલીસ મથકોમાં મારામારી, ખંડણી, જુગાર સહિતના ગુનાઓ નોંધાયેલ હોવાની માહિતી મળી છે.


Google NewsGoogle News