વિરપુરમાં ફૂટપાથ પર દબાણ અને આડેધડ પાર્કિંગથી લોકોને હાલાકી
- વારંવાર રજૂઆત છતાં તંત્રનું ભેદી મૌન
- અંબિકા સોસાયટીથી વીરાજી સર્કલ, એસટી બસ સ્ટેન્ડ આસપાસ ટ્રાફિક સમસ્યા વકરી
વિરપુર બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં આડેધડ પાકગ કરનારા વાહનચાલકો બેફીકર બન્યા છે. ત્યારે વિરપુર બસ સ્ટેન્ડથી જનતા સીનેમા સુધીના માર્ગ પર દુકાનોની બહાર લોકો ગમે તેમ વાહનો પાર્ક કરી રહ્યા છે. તો બીજી તરફ વિરપુરની અંબીકા સોસાયટીથી વીરાજી સર્કલ સુધી રોડ વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને રાહદારીઓ માટે ફૂટપાથ બનાવવામાં આવી છે. જ્યાં વેપારીઓ દ્વારા વેચાણ માટેનો સામાન મુકીને દબાણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત દુકાનોની સામે પણ આડેધડ વાહનો પાર્ક થવાના લીધે ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે.
વિરપુર બસ સ્ટેન્ડ નવીનીકરણ કામ પ્રગતીમાં છે. ત્યારે બસ સ્ટેન્ડમાં અવર જવર માટે એક જ માર્ગ ચાલુ છે. ત્યાં જ આડેધડ પાર્કિંગના કારણે એસટી બસોને નિકળવામાં અડચણ પડે છે અને અકસ્માતનો ભય વધી ગયો છે. છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો અને દબાણકર્તા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગણી ઉઠી છે.