Get The App

નૂતન વર્ષમાં આજે પ્રથમ ગુરૂ પુષ્યામૃત યોગઃ સોના, ચાંદીની ધૂમ ખરીદી થશે

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
નૂતન વર્ષમાં આજે પ્રથમ ગુરૂ પુષ્યામૃત યોગઃ સોના, ચાંદીની ધૂમ ખરીદી થશે 1 - image


- પુષ્યનક્ષત્રને નક્ષત્રના રાજા માનવામાં આવે છે

- શ્રધ્ધાળુઓ દ્વારા જપ, તપ, દાન, પુણ્ય સહિતના ધર્મકાર્યો અને જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ જોવા મળશે 

ભાવનગર : દિવાળી બાદ શરૂ થયેલાં નૂતન વર્ષમાં આવતીકાલ કારતક વદ છઠ્ઠ તા.૨૧એ પ્રથમ ગુરૂ પુષ્યામૃત યોગ સર્જાયો છે.  ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયા મુજબ આ અનન્ય મહિમાવંતા મહાપર્વે કરેલા પૂજા પાઠ, જપ, તપ,અને દાન-પુણ્ય વગેરે શુભકાર્યો અગણિત શુભફળ પ્રદાન કરનાર હોય ગોહિલવાડમાં આવતીકાલે ચોતરફ ધર્મકાર્યો અને જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ જામશે.આ સાથે લગ્નસરાની સિઝનને લઈને પણ સોના,ચાંદી,નવા વાહન અને સુખ સમૃધ્ધિના સાધનોની ધૂમ ખરીદી થશે અને માંગલિક કાર્યો પણ અધિક પ્રમાણમાં થશે.

આવતીકાલ તા. ૨૧-૧૧ ને ગુરૂવારે સવારે સૂર્યોદય ૭-૦૪ કલાકથી બપોરે ૩-૩૫ સુધી ગુરૂ ૫ુષ્યામૃત યોગ છે. આવતીકાલે આ વર્ષનો પહેલો ગુરૂ પુષ્યામૃત યોગ છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, પુષ્ય નક્ષત્રમાં એવા અનેક ગુણ છે કે જે દરેક શુભ બાબતોમાં વૃધ્ધિ કરે છે. આથી જ પુષ્ય નક્ષત્રને નક્ષત્રના રાજા માનવામાં આવે છે. તેમાં પણ ગુરૂવારે પુષ્ય નક્ષત્ર આવતા તે ગુરૂપુષ્યામૃત યોગ ગણવામાં આવે છે. આજના દિવસે શ્રધ્ધાળુઓ દ્વારા દેવદેવીઓના દર્શન,  ઈષ્ટદેવ, કુળદેવીની પૂજા, પાઠ, જપ, તપ કરાશે. ગુરૂમંત્રના અધિક જાપ કરવામાં આવશે. માઈભકતો દ્વારા લક્ષ્મીની પ્રાપ્તિ માટે સાકરવાળુ દૂધ શ્રીસુકતના પાઠના ઉચ્ચારણ સાથે શ્રીયંત્ર પર અભિષેક કરાશે. વિક્રમ સવંત ૨૦૮૧ નો આરંભ થતા નવા વર્ષમાં ગુરૂ પુષ્યામૃત નક્ષત્રના કુલ ૪ યોગ આવે છે. જેમાં આગામી તા. ૨૪ જુલાઈ ૨૦૨૫, તા.૨૧ ઓગસ્ટના રોજ આખો દિવસ જયારે  ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૨૫ ના રોજ ગુરૂ પુષ્યામૃત નક્ષત્ર આવે છે. જયારે ૨૦૮૧ ના વર્ષમાં રવિ પુષ્ય નક્ષત્રના ત્રણ યોગ આવે છે 


Google NewsGoogle News