Get The App

જિલ્લામાં 108 બાળકને હૃદય, 37 ને કિડની અને 44 ને કેન્સરની બિમારી

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
જિલ્લામાં 108 બાળકને હૃદય, 37 ને કિડની અને 44 ને કેન્સરની બિમારી 1 - image


- આંગણવાડીઓના 1,21,853 અને શાળાઓના 1,48,031 બાળકની થયેલી આરોગ્ય તપાસ 

- 5920 બાળકને દાંતના, 5081 ને ચામડીના, 1532 ને આંખના અને 2412 ને કાન-નાક-ગળાના રોગ જણાયા 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર માસ દરમિયાન ૧૫૮૯ આંગણવાડીના ૧,૨૧,૮૫૩ બાળક અને ૯૦૩ શાળાના ૧,૪૮,૦૩૧ બાળકની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૦૮ બાળકને હૃદયની, ૩૭ બાળકને કિડનીની અને ૪૪ બાળકને કેન્સરની બિમારી જણાઈ હતી. 

 શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા ૩૪ ટીમ કાર્યરત રહી હતી. જેમાં ૧૦૯ ડિલિવરી પોઈન્ટ પર ૧૧,૬૪૩ બાળકોની આરોગ્ય તપાસ કરાઈ હતી. જ્યારે ૯૦૩ શાળાના ૧,૪૮,૦૩૧ બાળકની અને ૧૫૮૯ આંગણવાડીના ૧,૨૧,૮૫૩ બાળકની આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી. 

 આરોગ્ય વિભાગની દ્રષ્ટિએ જન્મથી લઈને ૧૮ વર્ષની વય સુધીના તમામ બાળકની વ્યાખ્યામાં આવે છે. પરિણામે આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ડિપ્લોમા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને પણ આ આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવતા હોય છે. 

 સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકનું સ્વસ્થ હોવાનું આવશ્યક છે. આથી બાળકોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. જેમાં બીમારી ધરાવતા બાળકોને સંદર્ભ કાર્ડ ઈસ્યુ કરાય છે અને સરકારી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરાય છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ડી.ઈ.આઈ.સી. ખાતે આ માટે ખાસે બાળ રોગ નિષ્ણાંતની સેવા ઉપલબ્ધ રહે છે. અત્યંત ગંભીર બીમારી જણાય તો સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકને રીફર કરાય છે.      

 જિલ્લામાં ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર માસ દરમિયાન શાળા ઓરોગ્ય તપાસણી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તેમાં ૩૩ બાળક ક્લબ ફૂટ એટલે કે વાંકાચૂકા પગ ધરાવતા તો ૭ બાળક ફાટેલા તાળવા અને ૪ બાળક ફાટેલા હોઠ ધરાવતા જોવા મળ્યા હતા. જેઓ ગંભીર બીમારીથી ગ્રસિત હોય તેવા હૃદયની બીમારી ધરાવતા ૧૦૮, જન્મજાત કરોડરજ્જુની તકલીફ ધરાવતા ૭, કિડનીની બીમારી ધરાવતા ૩૭, કેન્સરની બીમારી ધરાવતા ૪૪ બાળક જણાયા હતા. આ ઉપરાંત, બધીરતા હોય તેવા ૫, જન્મજાત મોતિયો હોય તેવા ૩ અને ડાઉન સિન્ડ્રોમ ધરાવતા ૭ બાળકનો સમાવેશ થાય છે. 

 જિલ્લામાં દાંતનો રોગ ૫૯૨૦ બાળકને, ચામડીની બીમારી ૫૦૮૧ બાળકને, આંખનો રોગ ૧૫૩૨ બાળકને, કાન-નાક-ગળાની બીમારી ૨૪૧૨ બાળકને અને અન્ય ગંભીર બીમારી ૨૬૫ બાળકને જણાઈ હતી. 

21,411 બાળકની હિમોગ્લોબીન તપાસમાં 8,361 બાળક એનિમિક

જિલ્લામાં ચાલુ વર્ષના ૭ માસ દરમિયાન થયેલી શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં ૨૧,૪૧૧ બાળકની હિમોગ્લોબીન (એચ.બી.) તપાસ કરવામાં આવી હતી. જેમાં ૮,૩૬૧ બાળક અનિમિક એટલે કે, લોહતત્વની ખામી હોય તેવા જણાયા હતા. આ એનિમિક બાળકો પણ ૩,૧૩૨ બાળક અતિ કુપોષિત નોંધાયા હતા. 


Google NewsGoogle News