Get The App

સુલતાનપુરમાં એક કરોડની જમીન ખાલી ન કરતાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
સુલતાનપુરમાં એક કરોડની જમીન ખાલી ન કરતાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ 1 - image


- અંકલેશ્વરના ફર્નિચરના વેપારીની જમીન પચાવી પાડવા ભાઇઓ દ્વારા કારસો

- 3 ભાઇઓ વચ્ચે જમીનના ભાગ પડી ગયા પછી બે સગાભાઇઓએ કબજો જમાવી દેતા ક્લેક્ટરનો હુકમ

ગોંડલ : ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે અંકલેશ્વરના ફર્નિચરના વેપારીની જમીન ઉપર કબ્જો કરનાર તેના જ બે કૌટુંબીક ભાઈઓ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો છે. ત્રણ ભાઈઓ વચ્ચે જમીનના ભાગ પડયા બાદ એક કરોડની જમીન ઉપર બે સગાભાઈઓએ કબ્જો કરતા અને ખાલી નહીં કરતા કલેક્ટરમાં થયેલી અરજીને આધારે ગુનો નોંધવા હુકમ કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની અને હાલ અંકલેશ્વર જીઆઈડીસી આરડીએલ (૪૬ એસ) નવા દેરાસરની બાજુમાં અને ફનચરનો વેપાર કરતા ચંદુભાઈ વલ્લભભાઈ હિરપરા (ઉ.વ.૫૨)એ નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે સુલતાનપુર ગામના મચ્છુઆઈ ચોક રીંગદાર રોડ ઉપર રહેતા હરેશ મેપા હિરપરા અને તેના ભાઈ પંકજ મેપા હિરપરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં ચંદુભાઈએ જણાવ્યા મુજબ તેઓ ત્રણ ભાઈઓ હોય અને સુલતાનપુર ગામે તેની પરિવારની વડિલો પાર્જીત જમીન આવેલ હોય. જેના ત્રણેય ભાઈઓ વચ્ચે ભાગ પડયા હતા. જેમાં તેમના ભાગે સુલતાનપુર ગામની (રેવન્યુ સર્વે નં. ૧૧૫ પૈકી-૧ની બે હેક્ટર અને ૨.૩૪ ચો.મી.) જમીન તેમના ભાગમાં આવી હતી. જે જમીનના જંત્રી મુજબની હાલની કિંમત રૃા. ૧ કરોડ છે. 

જમીનના ભાગ પડયા તે પૂર્વે આ જમીન ભાઈઓ અને કૌટુંબીક ભત્રીજાઓ પાસે છે. અને ત્રણેય ભાઈઓ વચ્ચે ભાગ પડયા બાદ આ જમીન ઉપર કૌટુંબીક હરેશ મેપા હિપપરા અને પંકજ મેપા હિરપરાએ કબ્જો કર્યો છે. તેના કોઈ પણ જાતના હક અને દાવા ન હોવા છતાં આ જમીન ઉપર કબ્જો કર્યો હોવાથી ચંદુભાઈએ અવાર નવાર આ જમીન ખાલી કરવા વાતચીત કરી હતી. પરંતુ બન્ને ભાઈઓએ જમીન ખાલી કરવાની ના પાડી બળજબરીથી આ જમીન પચાવી પાડી લીધી હતી. જેથી ચંદુભાઈએ આ બાબતે કલેક્ટરમાં કરેલી અરજી બાદ જરૃરી દસ્તાવેજો ચકાસી આ મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અિધનિયમની કલમ હેઠળ લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.


Google NewsGoogle News