સિહોર જીઆઈડીસીમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેતા લોકોને મુશ્કેલી
- સ્ટ્રોમ લાઈન સાથે મફતનગરની ગટર લાઈન ભેગી થતાં કાયમી પ્રશ્ન
- નગરપાલિકામાં મૌખિક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં, ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી
સિહોરના ભાવનગર-રાજકોટ રોડ પર જીઆઈડીસી-૧ કાર્યરત છે. તેમાં જુદા-જુદા ઉત્પાદનના અનેક યુનિટ આવેલા છે. નગરપાલિકા દ્વારા જીઆઈડીસીની પાછળ આવેલા મફતનગર વિસ્તારની ગટર લાઈન જીઆઈડીસીના રસ્તામાં કાઢવામાં આવી છે. જે લાઈન જીઆઈડીસીની સ્ટ્રોમ લાઈન સાથે ભેગી જતાં ગોરન ફાર્મા પ્રા.લિ. કાું. પાસેના રસ્તા પર ગટર ઉભરાય છે અને તેના ગંદા પાણી ગાયત્રીનગર સુધી જાય છે. આ રસ્તા પર પીજીવીસીએલ, આઈટીઆઈ આવેલી છે. જેથી વીજ ઓફિસે તેમજ આઈટીઆઈમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હેરાનગતિ વેઠવી પડે છે. ઉભરાતી ગટરનો પ્રશ્ન કાયમી હોવાના કારણે લોકોના આરોગ્ય ઉપર પર જોખમ મુકાઈ રહ્યું છે. ત્યારે આ પ્રશ્નનો કાયમી નિવેડો લાવવા ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટર દ્વારા પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.