રાણપુરમાં શહેર મધ્યે દબાણ હટાવ ઝૂંબેશ શરૂ, પ્રથમ દિવસે 90 દબાણોનો સફાયો
- માર્ગ-મકાન વિભાગે અલ્ટિમેટમ મુજબ શરૂ કરી કાર્યવાહી
- ટ્રાફિક સમસ્યાના કારણે પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીના માર્ગ પર ખડકાયેલાં દબાણો દૂર કરાયા
રાજ્યના માર્ગ અને મકાન વિભાગે આજે સવારથી જ રાણપુર શહેરમાં ખડકાયેલાં કાચા-પાકા દબાણો હટાવવા ઝૂંબેશ આદરી હતી. જેમાં આજે સવારથી જ પૂર્વ નિયોજિત જાહેરાત અનુસાર રાણપુરના મુખ્ય માર્ગ પર પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીના રસ્તા વચ્ચેના દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાતી હોવાથી રાજ્યના માર્ગ અને મકાન વિભાગની સૂચનના પગલે રાણપુર નગરપાલિકાએ દબાણકારોને અનેક વાર નોટિસ આપી હતી. પરંતુ તેમ છતા દબાણકારો દ્વારા દબાણ દૂર ન કરવામાં આવ્યા ન હતા.વારંવારના અલ્ટિમેટમ છતાં દબાણો યથાવત રહેતાં આજે માર્ગ અને મકાન વિભાગે મુખ્ય માર્ગ પર આવેલા આશરે ૯૦ જેટલા અનઅધિકૃત દબાણોને દૂર કર્યા હતા.આ વેલાએ બરવાળાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ રાણપુરના મામલતદાર, રાણપુરનો પોલીસ કાફલો તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ અને તેમની ટીમ જોડાઈ હતી. તંત્રની આ કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.