રાજુલામાં શ્રીજીનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઠેરઠેર ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી
- ચિફ ઓફિસર ન હોવાના કારણે વકરી રહેલી અન્ય સમસ્યાઓ
- નગરપાલિકાની કચરાની ગાડીઓ બંધ હોય મહિલાઓને કચરો કયાં નાખવા જવો તેની રોજીંદી પળોજણ વધી ગઈ
રાજુલા નગરપાલિકાનો વહિવટ સંપુર્ણપણે ખાડે ગયો હોવાના કારણે શહેરીજનોની મુશ્કેલીઓ વધી રહી છે. શ્રીનાથજીનગરમાં ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલાઓના કારણે રહિશોમાં ભયંકર રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થઈ છે. ગટરના પાણી જાણે કે, નદીની માફક લોકોના ઘરમાં ઘુસી જાય છે. ઉપરવાસમાંથી આવતુ ગટરનું પાણી પ્રેશર સાથે માર્ગો પર ફરી વળે છે. પાણીનો નિકાલ નહિ થતા દુર્ગંધ મારતુ પાણી રહિશોના પટાંગણમાંથી નિકળી સીધા રહેણાંકીય મકાનોમાં આવતુ હોવાના કારણે રહિશોમાં ભારે કચવાટ ફેલાયો છે. રાજુલા નગરપાલિકામાં ચિફ ઓફિસર કાયમી નથી. સાવરકુંડલાના ચિફ ઓફિસર ચાર્જમાં હોવાના કારણે સમસ્યાઓ વધી રહી છે.ચિફ ઓફિસરના મોનીટરીંગ અને સુપરવિઝનના અભાવે નગરપાલિકાના કર્મચારીઓ કામગીરી નહિ કરવા હોવાના કારણે વધુ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. રાજુલા નગરપાલિકા પાસે કચરાની ગાડીઓ બંધ છે. જેના લીધે ઘરે ઘરે કચરો લેવા ગાડીઓ આવતી નથી તેથી કચરો નાખવા મહિલાઓને કયા જવુ તેની રોજીંદી રામાયણ સર્જાઈ રહી છે. ગટર સાફ કરવાના અભાવે પાણી ભરાઈ રહ્યા છે. આ સમસ્યાનો કાયમી નિકાલ આવતો ન હોવાથી ગટરના દુર્ગંધ મારતા પાણી ઉભરાઈ રહ્યા છે. સ્થાનિકો લાંબા સમયથી ગટરના ગંદા પાણીના કારણે પીડાઈ રહ્યા છે જેના કારણે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કાર કરવાની વિચારણા થઈ રહી છે.