રાજુલામાં ચાર દિવસથી લાપતા યુવાનનો ડેમમાંથી મૃતદેહ મળ્યો
પોલીસે મોબાઈલ લોકેશનથી ટ્રેસ કરવા પ્રયત્ન કરેલો
મૃત્યુનું કારણ અકબંધ, મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર ખસેડાયો
રાજુલા: રાજુલા શહેરમાં ચાર દિવસથી લાપતા થયેલા યુવાનનો ધાતરવડી ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલા શહેરમાં ધાતરવડી ડેમ-૨ વિસ્તારમાં રહેતા રાજુભાઈ હુસેેનભાઈ જોખિયા (ઉ.વ.૨૦) છેલ્લા ચારેક દિવસથી લાપતા હોય, પરિવારજનો, મિત્રો વગેરેએ શોધખોળ હાથ ધરી હતી. આ અંગે રાજુલા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ મોબાઈલ લોકેશન ટ્રેસ કરી યુવાનનો પતો મેળવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેની કોઈ ભાળ મળી આવી હતી. દરમિયાનમાં આજે ગુરૂવારે ધાતરવડી-ર ડેમમાં કોઈ યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ, પરિવારજનો અને અન્ય લોકોએ દોડી આવી બહાર કાઢી જોતા રાજુભાઈ જોખિયાનો મૃતદેહ હોવાનું ખુલ્યું હતું. ઘટનાની જાણ થતાં મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના આગેવાનો રાજુલા સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે યુવાનના મૃત્યુનું કારણ અકબંધ હોય, મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.