રાજુલામાં બીએસએનએલના નેટવર્કમાં ધાંધિયાથી લોકો પરેશાન
- નેટવર્કના અભાવે ગ્રાહકો અન્ય કંપનીના સીમકાર્ડ તરફ વળી રહ્યાં છે
- તૌક્તે વાવાઝોડામાં નુકસાન થયું તે પછી મોટાભાગના ટાવરોમાં રીપેરીંગ પણ નથી થયું, ગ્રાહકોમાં ભારે નારાજગી
રાજુલા પંથકમાં છેલ્લા એક વર્ષથી બીએસએનએલના નેટવર્કના ધાંધિયાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજુલા પંથકના કુલ મોબાઈલ યુઝર્સમાંથી આશરે ૫ ટકા ગ્રાહકો બીએસએનએલ સાથે જોડાયેલા છે. લોકો મોટી રકમનું રિચાર્જ કરે છે પરંતુ નેટવર્કના અભાવે ગ્રાહકે ખર્ચેલા રૂપિયાની પુરતી સેવા પણ નથી મેળવી શકતો અને તેના લીધે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. થોડાં વર્ષો પૂર્વે રાજુલા પંથકમાં ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાથી બીએસએનએલના ઘણાં ટાવરોને નુકસાન પહોંચ્યું હતું તેમાંથી મોટા ભાગના ટાવરો હજુ રિપેઈર પણ થયાં નથી. સરકાર બીએસએનએલના વિકાસ માટે ગમે તેટલા સસ્તા રિચાર્જ પ્લાન અને યોજના લાવે પરંતુ નેટવર્કના અભાવે તે બધુ બિનઉપયોગી સાબિત થઈ જતું હોવાથી ગ્રાહકો બીએસએનએલ છોડીને અન્ય કંપનીના નેટવર્ક તરફ વળી રહ્યાં છે ત્યારે રાજુલા પંથકમાં બીએસએનએલનું નેટવર્ક આવે અને ગ્રાહકોને પુરતી સેવા મળી રહે તે માટે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ બકુલભાઈ વોરાએ બીએસએનએલ અમદાવાદ ડીજીએમ, ભાવનગર એજીએમ, એસટી, ઓટી રાજુલાને પત્ર લખી રાજુલા પંથકમાં બીએસએનએલનું નેટવર્ક અને સારી સેવા મળે તેવી માંગ કરી છે.