રાજકોટમાં વીજળી ત્રાટકતાં દુકાન ભસ્મીભૂત થઇ ગઇ
દુકાન બંધ હોવાથી સદનસીબે જાનહાની ટળી
આસપાસના લોકો ભયના માર્યા બહાર દોડી આવ્યા, દુકાનમાં રાખેલા
ફ્રીઝ, ફર્નિચર
અને માલસામાન સળગીને ખાક
રાજકોટ : રાજકોટમાં આજે બપોરે કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકતા પુષ્કરધામ મેઇન રોડ પર આલાપ સેન્ચુરીના ગેઇટની સામે આવેલું અમૂલ પાર્લર ભસ્મીભૂત થઇ ગયું હતું. આગ બૂઝાવતા ફાયર બ્રિગેડને એકાદ કલાક જેવો સમય લાગ્યો હતો.
પાર્લરના માલિક હિતેશભાઈ દવેએ જણાવ્યું કે બપોરે જ્યારે
પાર્લર બંધ હતું ત્યારે પાર્લરની પાછળના ભાગે આવેલા ફળિયામાં વીજળી ત્રાટકી હતી.
કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકતા ભયના માર્યા પાડોશીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.
વીજળી ત્રાટક્યા બાદ તેની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી.
જેમાં દુકાનમાં રાખેલા આઠથી નવ ફ્રીઝ, ફર્નિચર અને માલસામાન સળગીને ખાક થઇ ગયો હતો. જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. પાર્લરની ઉપર મકાન છે. જ્યાં કોઇ રહેતું નથી. ત્યાં સુધી આગ પહોંચી ગઇ હતી. વળી બપોરે પાર્લર પણ બંધ હોવાથી સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. ફાયરબ્રિગેડના સ્ટાફને પણ લતાવાસીઓએ વીજળી પડવાથી આગ લાગ્યાનું જણાવ્યું હતું.