ભાવનગર : દોઢ વર્ષમાં 7 વિધાનસભામાં ભાજપનો જનાધાર વધ્યો, કોંગ્રેસનો ઘટયો
- ગત વિધાનસભાની સરખામણીએ લોકસભા ચૂંટણીનાં મતદાનના આંકડા ચોંકાવનારા
- ટૂંક સમયમાં ફરી વિધાનસભા ચૂંટણી યોજાય તો ભાજપને ફાયદો, કોંગ્રેસનો સતત ઘટતો જનાધાર પક્ષ અને ભાવનગરના વતની પ્રદેશ પ્રમુખ માટે ચિંતન-મનનનો વિષય
વર્ષ ૨૦૨૨ના અંતભાગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાવનગર લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, પશ્ચિમ, ગઢડા તથા બોટાદ પૈકી છ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે એકમાત્ર બોટાદ બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં છ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારોને ૬૪ હજારથી લઈ ૧.૧૬ લાખ સુધીના મત મળ્યા હતા. જ્યારે, બોટાદ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ભાજપના ઉમેદવાર સામે સરસાઈ સાથે ૭૭ હજારથી વધુ મત મળતાં તેનો વિજય થયો હતો.
એ જ રીતે આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસને સ્વભાવિક રીતે જનાધાર ન મળતાં તમામ છ બેઠકો પર ભાજપ-કોંગ્રેસને પાછળ છોડી આમ આદમી પાર્ટીએ વિજય હાંસલ કર્યો હતો.
જ્યારે તાજેતરમાં જાહેર થયેલાં લોકસભા ચૂંટણીના પરિણામોનું વિધાનસભા દીઠ વિશ્લેષણ કરવામાં આવે તો અંદાજે દોઢ વર્ષ પૂર્વે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છ બેઠક પર ભાજપને જે જનાધાર મળ્યો હતો તેમાં સતત અને નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પણ અધુરું હોય તેમ, ગત વિધાનસભા ચૂંટણીમાં બોટાદમાં ાપને જે મત મળ્યા હતા તેની સરખામણીએ આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનવતી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર આ જ ઉમેદવારને ૫૭ ટકા મત ઓછા મળ્યા હતા. એટલે કે, દોઢ વર્ષમાં જ આ જ બેઠક પર એક જ ઉમેદવારનો જનાધાર ઘટયો હતો. સામાપક્ષે બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપના નાધારમાં નોંધપાત્ર વધારો થયો હતો.
ટૂંકમાં દોઢ વર્ષમાં ભાવનગર લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા બેઠકમાંભાજપનો જનાધાર વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે. જો ફરી ટૂંકા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાય તો ભાજપનો વધેલો જનાધાર આ બેઠક પર પક્ષ અને તેના ઉમેદવારને ફાયદો થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. બીજી તરફ, સર્વ સામાન્ય રીતે કોંગ્રેસની મજબુત સ્થિતિ વચ્ચે ભાવનગરમાં તેનો જનાધાર સતત ઘટી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાવનગરના હોય તેમણે આ દિશામાં ચિંતન-મનન કરવાની જરૂર છે. તે કહેવું અતિશ્યોક્તિ તો નહીં જ ગણાય.