શહેરના કુંભારવાડામાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોની સ્થિતી કફોડી
- કુંભારવાડાના લોકો નર્ક જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા હોવાનો આપ કાર્યકરોના આક્ષેપ
- વરસાદી પાણી ભરાતા બાળકો સ્કૂલે જઈ શકતા નથી, ભાજપ નગરસેવકો દેખાતા નથી, મનપામાં ફરિયાદ કરી છતાં સમસ્યા યથાવત
શહેરના કુંભારવાડાના લોકો નર્ક જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આ વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ પણ એટલું પાણી ભરાયું છે કે બાળકો સ્કૂલ પણ જઈ શકતા નથી. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકોના કામ ધંધા પણ બંધ થઈ ગયા છે અને આ મામલે મહાનગરપાલિકામાં અનેક ફરિયાદો કરી હોવા છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અહીં ચાર કોર્પોરેટર છે, જેઓ હાથ જોડીને મત માગવા આવતા હોય છે પરંતુ મુશ્કેલ સમયમાં કોઈ કામ કરવા આવતા નથી, આ ભાજપ સરકારની હકીકત છે. આ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ આ વિસ્તારની જોઈને કોઈ પણ કહી શકે છે કે એક સામાન્ય રોડ રસ્તા જેવો વિકાસ પણ આ વિસ્તારમાં પહોંચ્યો નથી તેવા આક્ષેપ આપના ભાવનગર શહેર સંગઠન દ્વારા આપ કાર્યકારી પ્રમુખ અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યા હતાં.
કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા અને કાદવ-કીચડ જામતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે તંત્ર દ્વારા તત્કાલ યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.