ગોહિલવાડમાં ઘાસચારો મોંઘો થતા પશુપાલકો ચિંતામગ્ન બન્યા
- ઘાસચારાના ભાવ વધતા માલધારીઓ ખફા
- ખાનગી ક્ષેત્રની દૂધ કંપનીઓને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની નોબત આવી, દૂધના ભાવ વધવાની શકયતા
મહત્તમ પશુપાલન અને ખેતીવાડીના વ્યવસાય પર નિર્ભર રહેલા ભાવનગર જિલ્લામાં એકબાજુ ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે તેવા વિકટ સમયે સિહોર, ઉમરાળા સહિતના કેટલાક તાલુકા અને ગ્રામ્ય મથકોમાં ઘાસચારાની અછત વર્તાતા પશુપાલકોને ગૌવંશનો નિભાવ મુશ્કેલ બન્યો છે. ગોહિલવાડમાં માવઠાને લઈને કેટલાક તાલુકા મથકોને બાદ કરતા અન્ય તાલુકાઓ અને ગામોમાં ચાલુ વર્ષે નહિવત વરસાદને લઈને ઘાસચારાની અછત વર્તાઈ રહેલ છે. ઘાસચારાના ભાવમાં વધારો થતા સ્થાનિક ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને તેમજ સ્થાનિક પશુપાલકોને બહારથી ઘાસચારો લાવવામાં આવતા તે ખુબ જ મોંઘો પડી રહ્યો છે.ઘાસચારો મોંઘો થતા ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા ગૌવંશનો નિભાવ ઘાસચારાના અભાવે મુશ્કેલ બની રહ્યો હોય કેટલીક ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા અનુદાન માટે ટહેલ નાખવાની તજવીજ હાથ ધરાઈ રહેલ છે. પશુઆહાર મોંઘો થતા ભાવનગર શહેર અને જિલ્લામાં દૂધના ભાવમાં વધારો થાય તેવી શકયતા જણાઈ રહેલ છે. ગુણવત્તા મુજબ લીલા ઘાસચારાનો ભાવ રૂા ૭૦ થી લઈને ૧૨૦ આસપાસ પહોંચતા પશુપાલકોને હાલાકી વેઠવી પડે છે. પશુઓને પ્રિય ગણી શકાય તેવા લચકો અને કડબના ભાવ આ અગાઉ મણના રૂા ૬૦ હતા. હાલમાં બજારમાં કડબ રૂા ૧૨૦ આસપાસના ભાવે વેચાઈ રહેલ છે. એક સમયે પાંચ રૂપીયે કિલો મળતો ઘાસચારો હાલ રૂા ૧૫ આસપાસના ભાવે વેચાય છે. આ ઉપરાંત લીલી જુવાર અગાઉ રૂા ૩૦ થી ૪૦ ની મણના ભાવે વેચાતી હતી. જે હવે ગુણવત્તા મુજબ રૂા ૮૦ આસપાસના ભાવે મળી રહેલ છે. સુકા ઘાસચારાના ભાવ વધતા ગોહિલવાડના પશુપાલકો ખફા થયા છે. જિલ્લાના પશુપાલકોને તેમના ઘર સુધી લીલો ઘાસચારો પહોંચાડવામાં ભારે આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડે છે. કારણ કે, નજીકના શહેરી મથકમાં વેચાતો મોંઘો ઘાસચારો, ટોલટેક્ષ અને વાહનોના ઉંચા ભાડા તેઓને પોસાતા નથી.મોંઘો ઘાસચારો અને પશુ આહાર હોવા છતાં દૂધના વેચાણના પશુપાલકોને અપેક્ષિત ભાવ મળતા નથી. આવી વિકટ સ્થિતીમાં તેઓને દૂધનું ઉત્પાદન ખોટના ધંધા સમાન સાબિત થઈ રહેલ છે. ઘાસચારો મોંઘોદાટ થતા સર્વોત્તમ ડેરી દ્વારા ભાવનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે દૂધના ખરીદ ભાવમાં રૂા ૨૦ નો વધારો કરાયો છે. મોંઘા ઘાસચારાને લઈને દૂધના ભાવમાં હજુ પણ વધારો થવાની શકયતા વર્તાઈ રહેલ છે.