Get The App

રાજકોટમાં માસીની નજર સામે જ ભાણેજ ઉપર બે-બે વખત દૂષ્કર્મ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
રાજકોટમાં માસીની નજર સામે જ ભાણેજ ઉપર બે-બે વખત દૂષ્કર્મ 1 - image


સમાધાન કરવાના બહાને કારમાં ઉપાડી જઈ

ચોંકાવનારી ઘટનામાં ભીસ્તીવાડનાં નામચીન હકુભા ખીયાણી અને તેના પુત્રની ધરપકડ

રાજકોટ :  રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા નામચીન હકુભા ખીયાણીએ માત્ર ૧૪ વર્ષની તરૃણીને ઉપાડી જઇ ટૂંકા સમયમાં તેની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના પોલીસમાં જાહેર થઇ છે. જેના આધારે બી ડીવીઝન પોલીસે હકુભા અને તેને આ કૃત્યમાં મદદ કરનાર તેના પરિવારના ત્રણ સભ્યો વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.

ભારે ઉહાપોહ મચાવનાર આ કેસમાં તાત્કાલીક પોલીસે હકુભા ઉપરાંત તેના પુત્ર મીરઝાદની અટકાયત કરી છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.

ભોગ બનનારની માસીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની મોટી બહેનનો પતિ દારૃડીયો હોવાથી તેની મોટી બહેન ચાર પુત્રી અને એક પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી તેની માતાના ઘરે રહે છે. તેના નાનાભાઇએ એક વર્ષ પહેલા એઝાઝ હકુભા ખીયાણીની પત્ની મીતલ પાસેથી રૃા.એક લાખ વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ પણ ચુકવતો હતો. ત્યારબાદ રકમ પરત કરી દીધી હતી. આ પછી મીતલ અને એઝાઝના છૂટાછેડા થઇ જતા હકુભાના પુત્ર મીરઝાદે સાગ્રીતો સાથે તેના ઘરે આવી રૃા.એક લાખની ઉઘરાણી શરૃ કરી હતી.

નવરાત્રી વખતે  હકુભા અને તેના પુત્ર મીરઝાદ ઉપરાંત અન્યોએ તેની માતાના ઘરે આવી તેની ભાણેજની ચુંદડી ખેંચી, ધમકી આપી હતી. જેથી તેની ભાણેજે ઝેરી દવા પી લઈ ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલાં હકુભા, તેની પુત્રવધૂ, સોની અને પુત્ર મીરઝાદે તેની માતાના ઘરે આવી તેની ભાણેજે કરેલ પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જો ફરિયાદ પાછી ન ખેંચાય તો તેની ભાણેજ ઉપર દૂષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી.

ગઈકાલે સવારે તે તેની માતાના ઘરે હતી ત્યારે હકુભા અજાણ્યા શખ્સ સાથે ત્યાં ઘસી આવ્યો હતો, આવીને તેણે તેની ભાણેજે કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું કહી, ગાળો ભાંડી, ધમકાવી, તેને અને તેની ભાણેજને બળજબરીથી કારમાં બેસાડી ધાક-ધમકી આપી, ચૂપ કરાવી ભગવતીપરા સુખસાગર સોસાયટી આગળ આવેલી એક વાડીમાં લઈ જઈ ત્યાં તેની ભાણેજને કારમાંથી ઉતારી જયારે તેને તેની અન્ય ભાણેજ અને પુત્રને કારમાં પુરી દીધા બાદ તેની ભાણેજને મારકૂટ કરી, તેની નજર સામે તેની ઈજજત લુંટી હતી.

તેણે આ કૃત્ય નહીં કરવા ખુબજ બૂમો પાડી હતી. તેમ છતાં હકુભા માન્યો ન હતો. ત્યારબાદ હકુભાએ પુત્ર મીરઝાદને ફોન કરી ભગવતીપરામાં આવેલા પોતાના ડેલે બોલાવી લીધો હતો. તેને ચાવી લઈ ત્યાં તત્કાળ પહોંચી જવાનું કહ્યા બાદ તેમને પણ ત્યાં ડેલે લઈ ગયો હતો. તે વખતે ડેલાનું તાળું નહીં ખુલતાં હુકભાએ તાળું તોડી નાખી બધાને ડેલાની અંદર લઈ ગયો હતો. જયાં થોડીવાર બાદ હકુભાની પત્ની ખતુબેન પણ ત્યાં આવી પહોંચી હતી. જયાં હકુભાએ બધાની નજરની સામે તેની ભાણેજના શરીર સાથે અડપલા કર્યા હતા. એટલું જ નહીં તેના પુત્ર મીરઝાદે કહ્યું કે અમારા વિરૃધ્ધ ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લીધું ને. જયારે એઝાઝની પત્ની સોનીએ ફરિયાદ પાછી ખેંચી લેજો નહીંતર બધાના આવા હાલ થશે તેવી ધમકી આપી હતી.

થોડા સમય બાદ હકુભાએ તેના પુત્ર, પત્ની અને પુત્રવધૂને ત્યાંથી રવાના કરી દીધા બાદ  તેની ભાણેજને ડેલામાં આવેલા રૃમમા લઈ જઈ ફરીથી તેની ઈજજત લુંટી હતી. બાદમાં હકુભા તે રૃમમાં જ સુઈ ગયો હતો. ડેલામાં રહેલા અજાણ્યા માણસને ચકમો આપી તે ભાણેજ સહિતનાઓ સાથે ત્યાંથી રિક્ષામાં બેસી રવાના થઈ ગયા હતા.

ત્યારબાદ સીધા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. તે વખતે તેની  દૂષ્કર્મનો ભોગ બનેલી ભાણેજને પેટમાં દુખાવો ઉપડતા તત્કાળ તેને ૧૦૮માં લઈ જઈ સિવીલમાં સારવાર અપાવી હતી. તેને પણ મૂંઢ માર માર્યો હોવાથી સિવીલમાં પ્રાથમિક સારવાર લીધી હતી.

બી-ડિવીઝન પોલીસે હોસ્પિટલે જઈ ફરિયાદ નોંધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી હકુભા અને તેના પુત્ર મીરઝાદની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય બે આરોપીઓ સોનીબેન અને ખતુબેનની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ડેલામાં જે અજાણ્યા શખ્સનો ઉલ્લેખ છે તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે. 


Google NewsGoogle News