બરવાળા ન.પા.ની હદના દબાણો મામલે નવા-જૂની થવાના એંધાણ
- દબાણો દૂર નહીં થવા દેવા દબાણકર્તા મક્કમ, મોટા માથાના દબાણો હટે તો સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા તૈયાર
- બરવાળા હાઈવેની બન્ને સાઈડમાં માર્ગ અને મકાન વિભાગની હદના દબાણો લોકોએ સ્વૈચ્છિક રીતે ખુલ્લા કર્યા, સરકારી તંત્રએ ફૂટ પેટ્રોલીંગ કર્યું
બરવાળા હાઈવેની બન્ને સાઈડમાં માર્ગ અને મકાન વિભાગની હદમાં ખડકી દેવાયેલા દબાણોનો સફાયો કરવા માટે તંત્રએ નોટિસ ફટકારી હતી. ૨૪ કલાકની મહેતલ મળતા દબાણકર્તાઓએ રાત્રિના જ સમયે માલસામાન ખાલી કરી સ્વૈચ્છાએ પતરા, બાંધકામ સહિતના દબાણો દૂર કરી દીધા હતા. જ્યારે રાજકીય વગ ધરાવતા ત્રણ-ચાર દબાણકર્તાઓએ પોતાના દબાણ ન હટાવતા આજે સવારે બરવાળા મામલતદાર, પોલીસ કાફલો, વીજ તંત્રના અધિકારીઓએ ખોડિયાર મંદિથી લઈ હોટલ ધ ગ્રાન્ડ આર્યા સુધી ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. ફૂટ પેટ્રોલીંગ દરમિયાન જે દબાણો હટાવવામાં આવ્યા નથી. તેમને સાંજ સુધીમાં દબાણો દૂર કરી દેવા સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી હતી. સરકારી તંત્રની દબાણ હટાવ કાર્યવાહીને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. હાઈવે પરના દબાણો મામલે રાજકીય આગેવાનોએ ગાંધીનગર સુધીના ચક્કર આંટાફેરા કર્યા હતા. રાજકીય પ્રેસર છતાં માર્ગ મકાન વિભાગની હદના દબાણો દૂર કરાયા હતા. ભલામણ કરનારાઓને મામલતદારે લેખિતમાં દબાણ ન હટાવવા આપવાનું કહીં બોલતી બંધ કરાવી હતી. હાઈવે પરથી માર્ગ અને મકાન વિભાગની હદના દબાણોનો સફાયો કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં બરવાળા નગરપાલિકાની હદમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ શરૂ કરાશે. નગરપાલિકા દ્વારા તમામ દબાણકર્તાઓને નોટિસથી લઈ તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.
હાઈવે નજીક નગરપાલિકાની હદમાં આવતા દબાણો કોઈપણ ભોગે દૂર નહીં કરવા દબાણકર્તાઓ મક્કમ બની લડી લેવાના મૂડમાં છે. ન.પા. દબાણ દૂર કરવા જાય તો મોટા સંઘર્ષ થવાના એંધાણ પણ છે. દબાણકર્તાઓનું એવું સ્પષ્ટ કહેવું છે કે, પહેલા મોટા માથાના દબાણો દૂર કરો, તેમના દબાણો હટયેથી તેઓ પણ પોતાના દબાણો દૂર કરી દેશે. હવે મામલતદાર ન.પા.ની હદના દબાણો દૂર કરાવે છે કે, પછી પોતાની ઝુંબેશને મ્યાન કરી દે છે. તે આગામી સમયમાં જોવા મળશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.