ભાવનગરમાં 24 કલાકમાં સાડા 4 ડિગ્રી તાપમાન ઉંચકાયું
- હવામાન વિભાગની આગાહી વિના હીટવેવ, અચાનક ગરમી વધી
- દિવસનું તાપમાન વધ્યું રાતનું ઘટયું, ગરમ અને ભેજવાળી હવાથી બપોરે અંગદઝાડતી ગરમી અને ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાયો
હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં હીટવેવની આગાહીને અનુલક્ષીને છેલ્લા બે સપ્તાહ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થયા પછી ધીરે-ધીરે ગરમીનો પારો ગગડયો હતો અને તાપમાન ૪૦ ડિગ્રીની નીચે જતું રહ્યું હતું. પરંતુ હવામાન વિભાગ આગાહી કરે તે પહેલા અચાનક જ તાપમાનમાં આવેલા ઉછાળાથી લોકોએ ભારે ગરમી અનુભવી હતી. ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૪.૫ ડિગ્રીના ઉછાળા સાથે ૪૪.૪ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૦.૩ ડિગ્રીના ઘટાડા સાથે ૨૯.૩ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા હતું જે દિવસ દરમિયાન ઘટીને ૪૬ ટકા રહ્યું તથા સવારે પવનની ઝડપ ૩૦ કિમી પ્રતિકલાકની રહી હતી જે દિવસ દરમિયાન વધીને ૩૪ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી. આ સિઝનમાં ત્રીજી વખતે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીને પાર થયું છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૯.૯ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ભાવનગરમાં બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. અચાનક વધેલા તાપમાનથી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી. બપોરે લૂ ફેંકતા પવનના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સાથે સામાન્ય દિવસોની સરખામણીએ ભાવનગરમાં આજે પણ ભેજનું પ્રમાણ વધારે રહેતા બફારો પણ રહ્યો હતો. છેલ્લા ૪ દિવસથી ભાવનગરમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકાથી ઉપર રહ્યું છે.
10 દી' પછી 40 ડિગ્રી નીચે ગયેલો ગરમીનો પારો ફરી ઉંચકાયો
ભાવનગરમાં ગત ૧૭મી મેના રોજ ૩૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના ૧૦ દિવસ બાદ ગઈકાલે ૨૬મી મેના રોજ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે ૩૯.૯ ડિગ્રી રહેતા રાહત મળી હતી પરંતુ તે બાદ આજે ફરી ગરમીનો પારો ઉંચકાતા આકરી ગરમી અનુભવાઈ હતી. ભાવનગરમાં છેલ્લા ૧૦ દિવસમાં બે દિવસો બાદ કરતા ગરમીનો પારો ૪૦ ડિગ્રીની ઉપર જ રહ્યો છે.
ગરમી વચ્ચે ડેરી રોડ વિસ્તારમાં વીજળી ડૂલ થતાં આક્રોશ
શહેરના બોરડીગેટ ફીડર હેઠળના ડેરી રોડ વિસ્તારમાં ગત રાત્રીના ૧૧ વાગ્યાથી વહેલી સવારના ૪.૪૫ કલાક સુધી વીજળી ડૂલ થઈ હતી તથા સવારના સમયે પણ ૨ કલાક પાવર કટ થતા વીજતંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. બીજી તરફ આ અંગે પીજીવીસીએલ દ્વારા લોડ વધી જવાથી કેબલ ફાયર થયો હતો અને તેના રિપેરિંગ માટે પાવર કટ થયો હોવાનું જણાવાયું છે.