ભાવનગરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ, એજન્સીએ કામગીરી જ શરૂ ન કરી
- એજન્સીએ ઢોર પકડવાની કામગીરી નહીં કરતા મનપા સ્ટાફની દોડધામ વધી
- શહેરના કાળાનાળા, કાળુભા રોડ, હલુરીયા, ચિત્રા, શાકમાર્કેટ, કુભારવાડા સહિતના વિસ્તારમાં રખડતા ઢોરના અડીંગા
ભાવનગર શહેરમાં વરસાદ આવતા જ રખડતા પશુઓ રોડ પર આવીને બેસી જતા હોય છે તેથી વાહન ચાલકો, રાહદારીઓની મૂશ્કેલી વધતી હેાય છે. રખડતા ઢોરના પ્રશ્ને મહાપાલિકામાં વારંવાર રજુઆત થયા બાદ તંત્ર જાગે છે અને દેખાડા પુરતી કામગીરી કરવામાં આવતી હોય છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આ બાબતે માહિતી આપતા મહાપાલિકાના જવાબદાર અધિકારીએ જણાવ્યુ હતુ કે, મહાપાલિકાએ રખડતા ઢોર પકડવાની કામગીરી અમદાવાદની એજન્સીને આપી છે પરંતુ એજન્સીના સંચાલકે બિમારી સબબ હજુ સુધી કામગીરી શરૂ કરી નથી તેથી હાલ મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, મહાપાલિકાની ટીમ દ્વારા દરરોજ આશરે ૧પ રખડતા ઢોર પકડવામાં આવે છે અને ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ એટલો વધ્યો છે, જેના પગલે મહાપાલિકાની કામગીરી દેખાતી નથી.
શહેરના કાળુભા રોડ, કુંભારવાડા, સુભાષનગર, સંતકવરામ ચોક, માધવ દર્શન, વાઘાવાડી રોડ, કાળાનાળા, સંસ્કાર મંડળ, ઘોઘા જકાતનાકા, ચિત્રા માર્કેટીંગ યાર્ડ, બજાર વિસ્તારની શાકમાર્કેટ, ગંગાજળીયા તળાવ, બંદર રોડ વગેરે વિસ્તારમાં રોડ પર ઢોર અડીંગો જમાવી બેસેલા હોય છે, જેના પગલે વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થતા હોય છે. કેટલાક રોડ પર ઢોર બેસી જતા ચાલવાની પણ જગ્યા રહેતી નથી અને વાહન ચાલકોએ ઢોરને કાઢવા માટે ગાડીમાંથી નીચે ઉતરવુ પડતુ હોય છે. શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે ત્યારે મહાપાલિકા લાલ આંખ કરવી જરૂરી બની રહે છે અને પરિણામલક્ષી કામગીરી થાય તેવુ જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે. ઢોરના પગલે રોડ પર અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે મહાપાલિકાએ વધુમાં વધુ રખડતા ઢોર પકડવાની કામગીરી જરૂરીયાત છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
મહાપાલિકાના 4 ડબ્બામાં હાલ 2,500 ઢોર
ભાવનગર મહાપાલિકાએ રખડતા ઢોરને પુરવા માટે ચાર ઢોર ડબ્બા બનાવ્યા છે અને આ ચારેય ઢોર ડબ્બામાં આશરે ર,પ૦૦ ઢોર છે અને આ તમામ ઢોરનો મહાપાલિકા દ્વારા નિભાવ કરવામાં આવી રહ્યો છે. રખડતા ઢોર પકડવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં નહીં આવતા મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ઓછા ઢોર પકડવામાં આવી રહ્યા છે તેથી ઢોરનો ત્રાસ ઘટતો નથી ત્યારે વધુમાં વધુ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.
એજન્સી કામગીરી નહીં કરે તો નોટિસ આપી બ્લેક લીસ્ટ કરાશે
ભાવનગર શહેરમાં દર વર્ષે ચોમાસામાં રખડતા ઢોરનો ત્રાસ વધે છે તેથી મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને આપવામાં આવે છે. આ વર્ષે પણ ખાનગી એજન્સીને રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ આપ્યો હતો પરંતુ બિમારી સબબ કોન્ટ્રાકટરે હજુ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી નથી. આ બાબતે મનપાના અધિકારીએ જણાવ્યુ હતુ કે, એજન્સી કામગીરી શરૂ નહીં કરે તો હવે નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ એજન્સીને બ્લેક લીસ્ટ પણ કરવામાં આવશે.