ભાવનગરમાં ખખડધજ રોડ, રખડતા ઢોર સહિતના 8 પ્રશ્ને લોકોને પરેશાની

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં ખખડધજ રોડ, રખડતા ઢોર સહિતના 8 પ્રશ્ને લોકોને પરેશાની 1 - image


- ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. એ રજૂઆત કરી 

- ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ અને વિપક્ષ લોકોના પ્રશ્ને નિષ્ક્રીય : દબાણ સહિતના મામલે કડક કાર્યવાહી કરવા માંગણી 

ભાવનગર : ભાવનગર શહેરમાં ખખધડજ રોડ, રખડતા ઢોર સહિતના ૮ પ્રશ્ને લોકો પરેશાન છે ત્યારે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે અને તત્કાલ પગલા લેવા માંગણી કરી છે પરંતુ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ અને વિપક્ષ કોંગ્રેસ, આપ વગેરે પક્ષ લોકોના પ્રશ્ને નિષ્ક્રીય જણાય રહ્યા છે.  

ભાવનગર શહેરના દરેક મુખ્ય રસ્તાઓ તેમજ વિસ્તારોમાં રખડતા ઢોર જો મળે છે. રખડતા પશુ ગાય-આખલાઓના ટોળે ટોળાં રસ્તાઓની વચ્ચે બેઠા હોય છે અને જેના કારણે નાના/મોટા વાહન ચાલકોને અત્યંત મુશ્કેલીઓ પડતી હોય છે તેમજ ગંભીર અકસ્માતો થવાનો પણ ભય રહેતો હોય છે, તે માટે જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી છે.

ભાવનગર શહેર દરેકના રસ્તાઓ વરસાદ થવાથી મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે. તેમાંય ખાસ કરીને ભાવનગર-રાજકોટ રોડ પર નવો ઓવરબ્રીજ બની રહ્યો છે ત્યારે બન્ને સાઈડના રસ્તાઓ અત્યંત નાના થઈ ગયા છે અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયેલ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ખાડાઓ પડી જવાને કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને ગંભીર અકસ્માતો પણ બનવાની શક્યતા રહેલી છે તો તાકીદે આ રોડ-રસ્તાઓ વ્હેલીતકે રીપેરીંગ કરાવવા જરૂરી છે તેમજ ઓવરબ્રીજ નું કામ ને વ્હેલીતકે પૂર્ણ થાય તે જરૂરી છે.

ભાવનગર શહેરના દરેક મુખ્ય રસ્તાઓ / મેઈન બજારોમાં દબાણો કરવામાં આવેલ છે અને લારી-ગલ્લાઓ પણ રોડની વચ્ચો વચ્ચ રાખતા હોય છે, જેના કારણે રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે તેમજ રસ્તાઓ ઉપરના દબાણના કારણે વાહનચાલકો અત્યંત મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આ બાબતે અગાઉના કમિશ્નર દ્વારા ઘણી કામગીરી કરવામાં આવેલ છે પરંતુ દબાણ હટાવની હજી પણ તાતી જરૂરિયાત છે તો આ બાબતે જરૂરી પગલાં લેવા માંગણી છે તેમજ અગાઉ દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હોય ત્યાં ફરીથી દબાણ ન થાય તે પણ જોવુ જરૂરી છે. શહેરમાં અનેક જગ્યાએ-દરેક રસ્તાઓ ઉપર આડેધડ માપ-સાઈજ વગરના મન ફાવે તેમ નાના-મોટા ડિવાઈડરો મૂકવામાં આવેલ છે અને જેના કારણે અકસ્માતોનો દર ઘટવાને બદલે વધવાની શક્યતાઓ રહેલી છે તો આ બાબતે નીતિ-નિયમ મુજબ તેમજ નિયમસરના ડિવાઇડર મૂકવા અત્યંત જરૂરી છે તેમજ બિનજરૂરી / બિનઅધિકૃત ડિવાઇડર ને દૂર કરવાની રજૂઆત છે. શહેરના પ્રવેશદ્વાર સમાં મુખ્યરોડ જેમાં મુખ્યત્વે નારી ચોકડીથી ગઢેચી વડલા સુધી, તળાજા રોડથી ભાવનગર સંસ્કાર મંડળ સુધી, કુંભારવાડા-નારીરોડ તેમજ લાકડીયા પુલ તરફથી ભાવનગર શહેરમાં દીન-પ્રતિદિન હજારો વાહનો પસાર થાય છે. આ મુખ્ય રસ્તાઓ પર ખૂબ જ ભયંકર રીતે મોટા ખાડાઓ પડી ગયેલા છે તેમજ ખરાબ હાલતમાં રોડ તૂટી ગયેલ છે. આ મુખ્ય પ્રવેશદ્વારના રસ્તાઓને તાત્કાલિક યુધ્ધના ધોરણે રીપેરીંગ કરાવવા જરૂરી છે, કારણે કે આ રસ્તાઓ ઉપરથી હજારો વાહનો ભાવનગરમાં પ્રવેશતા હોય છે, ખરાબ રસ્તાઓના કારણે નાના-મોટા અકસ્માત થવાનો ભય રહેલો છે. આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા માંગણી ઉઠી છે. 

બાંધકામનો કચરો, સર્કલ, સીટી બસના પ્રશ્નો પણ હલ થતા નથી 

શહેરમાં હાલમાં અનેક જગ્યાએ મુખ્ય રોડ રસ્તાઓની બાજુમાં અનેક બાંધકામો થઈ રહ્યા છે અને બહુમાળી મકાનો / કોમ્પ્લેકસો તૈયાર થઈ રહ્યા છે અને તે લોકો બાંધકામને લગતો સામાન રેતી, કપચી, ઈંટ, પથ્થર, લોખંડ રોડ ઉપર પડેલું હોય છે તેમજ તેઓ તે વેસ્ટ મટીરિયલ પણ રોડ ઉપર જ્યાં ત્યાં ફેકી દેતા હોય છે જેના કારણે રસ્તાઓમાં ખૂબ જ દબાણ થયેલું હોય છે. રાહદારીઓનો કે વાહનચાલકો માટે રસ્તો રહેતો નથી અને લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે તો આ બાબત તુરંત પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી છે. શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધોઘાસર્કલ, સરદારનગર સર્કલ, મહિલા કોલેજ સર્કલ તોડી અને નવા સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે શહેરીજનો માટે ખૂબ જ જરૂરી છે તેમજ આ કામગીરી આવકારદાયક છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એટલે કે લગભગ ૫ વર્ષથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ પૂર્ણ થયેલ નથી તો આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમ કામગીરી કરવા માંગણી છે.  ભાવનગર શહેરમાં હાલ એક જ રૂટ પર સિટી બસ ચાલી રહી છે, બાકીના વિસ્તારોમાં લોકોએ ના છૂટકે રીક્ષાઓ / પ્રાઈવેટ વાહનોનો સહારો લેવો પડે છે. હાલ ભાવનગર શહેરની વસતી અને વિસ્તારમાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે સીટીબસ સેવાએ પ્રજાની મૂળભૂત અને પાયાની જરૂરિયાત છે તો નગરજનો ને વ્હેલીતકે આ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો/ કામગીરી કરવામાં તેવી રજૂઆત કરી હતી.


Google NewsGoogle News