Get The App

ભાવનગરમાં 16 હજારમાંથી માંડ 4 હજાર પેઢી વ્યવસાય વેરો ભરે છે

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં 16 હજારમાંથી માંડ 4 હજાર પેઢી વ્યવસાય વેરો ભરે છે 1 - image


- 30 સપ્ટેમ્બર સુધીમાં મનપામાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી 12 ટકા વ્યાજ વસુલાશે

- મોટાભાગની પેઢી વ્યવસાય વેરો ભરતી નથી, મહાપાલિકામાં માત્ર નોટિસ આપી સંતોષ માને છે, કડક કાર્યવાહી કરાતી નથી 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં વ્યવસાય વેરા વિભાગમાં ઘણી વેપારીઓ પેઢી નોંધાયેલ છે પરંતુ મોટાભાગની પેઢીઓના સંચાલકો વ્યવસાય વેરો ભરતા નથી ત્યારે મહાપાલિકા દ્વારા માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે. મહાપાલિકાએ વ્યવસાય વેરો વસુલવા કડક કાર્યવાહી કરવી જરૂરી છે પરંતુ હજુ સુધી કડક કાર્યવાહી કરવામાં આવી નથી તેમ જાણવા મળેલ છે.  

મહાપાલિકામાં આશરે ૧૬ હજાર પેઢી વ્યવસાય વેરા વિભાગમાં નોંધાયેલી છે, જેમાંથી આશરે ૪ હજાર પેઢીના સંચાલકો વ્યવસાય વેરો ભરે છે, જયારે અન્ય પેઢીના સંચાલકો વ્યવસાય વેરો ભરતા નથી તેથી મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે. મહાપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનુ સુત્રોએ જણાવેલ છે ત્યારે મહાપાલિકાએ વ્યવસાય વેરો વસુલવા કડક કાર્યવાહી કરવી જરૂરી છે. વ્યવસાય પેઢી, સંસ્થા, ધંધો બંધ કર્યા અન્વયે/વેચાણ આપ્યેથી લેખિતમાં ટેક્ષ કલેક્શન વિભાગમાં જરૂરી આધારો અને વેરો ભર્યા સાથે અરજી કરવાની રહેશે, ત્યાર બાદ જ રજીસ્ટર થયેલ વ્યવસાયવેરા ખાતું રદ થશે. જે ખાતેદારોને વ્યવસાયવેરા ખાતું અપડેટ/કેવાયસી કરાવવાનું હોય તેમને આધારપુરાવા સાથે વિભાગે રૂબરૂ ડોક્યુમેન્ટ આપી અપડેટ/કેવાયસી કરાવી લેવાનું રહેશે, જેમાં પાનકાર્ડ, બેંક પાસબુક/કેન્સલ ચેક, મોબાઈલ નંબર, મિલ્કતવેરા/ઘરવેરાની પહોંચ આપવાની રહેશે. જે વ્યવસાય ધારકોના સીનીયર સીટીઝન તરીકે ખાતાં રજીસ્ટર થયેલ છે તેમને પાનકાર્ડ, બેંક પાસબુક/કેન્સલ ચેક, મોબાઈલ નંબર, મિલ્કતવેરા/ઘરવેરાની પહોંચ, આધારકાર્ડ વગેરે ડોક્યુમેન્ટ આપી રૂબરૂ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જેમનો વ્યવસાયવેરાનું બીલ બાકી છે તેઓએ ચાલુ વર્ષનો વેરો આગામી તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ભરપાઈ કરવાનો રહેશે.  અન્યથા નિયમોનુસાર વાષક ૧૨ ટકા લેખે વ્યાજ વસુલવામાં આવશે. 

આગામી નાણાંકીય વર્ષના બાકી બીલ પર નિયમોનુસાર વ્યાજ વસુલવામાં આવશે. દર નાણાંકીય વર્ષમાં વ્યવસાયવેરાનું બીલ/ચલણ વ્યવસાયવેરા શાખામાંથી કઢાવી ભરપાઈ કરવાનું રેહશે. વ્યવસાયવેરો મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે તેમજ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન પણ ભરી શકાશે. તમામ વ્યવસાય ધારકોને પોતાનો વ્યવસાયવેરો નિયમિત ભરવા અને દંડનિય વ્યાજથી બચવા ભાવનગર મહાનગરપાલિકા ટેક્સ કલેક્શન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. 


Google NewsGoogle News