ગોહિલવાડમાં મઘાની મહેર : ભાવનગર શહેર-જિલ્લામાં દિવસભર અવિરત વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- ભાવનગરમાં 'રેડ એલર્ટ' : 3 દિવસમાં સવા 3 ઈંચ વરસાદ, શહેરમાં સિઝનનો કુલ વરસાદ 57 ટકા નોંધાયો
- છેલ્લા 16 કલાકમાં જિલ્લાના 10 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, શહેરના નારી રોડ, કુંભારવાડા, માઢીયા રોડ વિસ્તારમાં પાણી ભરાયા, આજે 'રેડ એલર્ટ', આગામી ત્રણ દિવસ 'ઓરેન્જ એલર્ટ'
આદ્રા નક્ષત્રમાં ગોહિલવાડ પર મેઘરાજા મન મુકીને વરસ્યા નહોતા પરંતુ મઘા નક્ષત્રમાં ભાવનગર પર મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં હોય તેમ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અને શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અને તે પછીના ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદથી મોડી રાત્રિ સુધી ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારે ૪ કલાકથી રાત્રિના ૮ કલાક સુધીના છેલ્લા ૧૬ કલાકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવન મળ્યું છે. ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે ૪ કલાકથી રાત્રિના ૮ કલાક સુધીમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રાત્રિ બાદ આજે સવારે પણ વરસાદ શરૂ રહેતા શહેરના કુંભારવાડા, માઢીયા રોડ અને નારી રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં થોડાં-થોડાં સમયના અંતરે શ્રાવણી સરવડાં વરસી રહ્યાં છે. તેમજ બપોર બાદ ૩૦ થી ૩૫ કિમીની ઝડપે પવન સાથે વરસાદ વરસતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભાવનગર શહેરમાં આજે કુલ બે ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસ વરસાદી માહોલ રહેતા સિઝનનો કુલ વરસાદ ૫૭ ટકા થયો છે. ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં ૮૦ મિ.મી. એટલે કે ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ વચ્ચે આવતીકાલે આઠમ હોવાથી બસ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે અનેક મુસાફરો હેરાન થયાં હતા. શહેર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં આજે દિવસ દરમિયાન બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું. ઉમરાળા અને ઘોઘા પંથકમાં આજે સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સિહોર શહેર અને ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયાં હતા. પંથકના ટાણા, વરલ, બેકડી, થોરાળી, અગીયાળી, બોરડી, જાબાળ, દેવગાણા, કાજાવદર, જાળીયા, કનાડ, મેઘવદર, સાગવાડી, મોટા સુરકા, સોનગઢ, ઈશ્વરિયા, આંબલા, જીંથરી, વડિયા, ઉસરડ, પીપળીયા, નેસડા, રાજપરા ખોડિયાર સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જિલ્લાના ગારિયાધારમાં આજે મધ્યમ વરસાદ નોંધાયો હતો. પંથકના પરવડી, લુવારા, ઘોડવદરી, ઠાસા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ રહ્યો હતો. જ્યારે પાલિતાણા પંથકમાં પણ છેલ્લા ૨૪ કલાકથી હળવો વરસાદ વરસી રહ્યો છે. તળાજા પંથકમાં આજે વહેલી સવારે ધોધમાર ઝાપટું વરસી ગયા બાદ આજે દિવસભર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. જ્યારે જેસર અને મહુવા પંથકમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી બપોર દરમિયાન વરસાદી માહોલ રહેતા ખેતીના પાકોને નવું જીવન મળ્યું હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
બોટાદ જિલ્લામાં દિવસભર વરસાદી માહોલ
આજે દિવસ દરમિયાન બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. બોટાદ શહેર અને જિલ્લામાં સવારથી કાળા ડિબાંગ વાદળા વચ્ચે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને સાંજના સુમારે ધીમો-ધીમો પવન પણ ફૂંકાયો હતો. બોટાદ શહેરમાં આજે અર્ધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ગઢડા (સ્વામીના)માં દિવસ દરમિયાન અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાણપુર અને બરવાળા પંથકમાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બોટાદમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
'રેડ એલર્ટ' વચ્ચે ભાવનગરમાં એનડીઆરએફની એક પણ ટીમ નથી
હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. રેડ એલર્ટ અને ભારે વરસાદની પરિસ્થિતિમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવે છે. ચોમાસાની શરૂઆતમાં ભાવનગરમાં એનડીઆરએફની એક ટીમ આવી હતી પરંતુ ખાસ વરસાદ નહી વરસતા ટીમ પરત ચાલી ગઈ હતી. હાલની સ્થિતિએ ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે જનતા રામ ભરોસે હોય તેમ જિલ્લાના હેડક્વાટરમાં એક પણ એનડીઆરએફની ટીમ તૈનાત નહી હોવાનું ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તરફથી જાણવા મળ્યું છે.