Get The App

ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયા

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયા 1 - image


- રાત્રીના બે કલાક જ ફટાકડા ફોડવાનો જ નિયમ 

- નિયમનો ભંગ છતા તંત્રએ કોઈ કાર્યવાહી ના કરતા લોકોને રાહત, લોકોએ ધૂમ ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી, આજે પણ હજુ ફટાકડા ફૂટશે 

ભાવનગર : સરકારી તંત્ર દ્વારા જુદા જુદા નિયમ બહાર પાડવામાં આવતા હોય છે પરંતુ કેટલાક નિયમ તો માત્ર કાગળ પર જ જોવા મળતા હોય છે અને તેનો કડક અમલ થતો નથી તેથી લોકોને રાહત થતી હોય છે, આવુ જ દિવાળી પર્વમાં જોવા મળ્યુ હતું. દિવાળી પર્વમાં માત્ર બે કલાક ફટાકડા ફોડવાનો નિયમ હોય છે છતા લોકોએ નિયમનો ભંગ કરી મોડીરાત સુધી ફટાકડા ફોડયા હતાં. 

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વમાં રાત્રીના ૮ થી ૧૦ કલાક સુધી એટલે કે માત્ર બે કલાક ફટાકડા ફોડવા માટેનો નિયમ હોય છે અને આ નિયમનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવતા હોય છે. આ નિયમ માત્ર કાગળ પર હોય તેમ લોકોએ ખુલ્લેઆમ નિયમનો ભંગ કર્યો હતો અને રાત્રીના ૧ કલાક સુધી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. દિવાળી પર્વમાં લોકોએ ખુબ જ ફટાકડા ફોડયા હતા પરંતુ સરકારી તંત્રએ નિયમનો ભંગ છતા કોઈ પગલા લીધા ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે તેથી લોકોને રાહત થઈ હતી. રોડ પર પણ લોકોએ ફટાકડા ફોડયા હતા અને મોડીરાત્ર સુધી ફટાકડાના અવાજ આવતા હતા છતા સરકારી તંત્રએ દિવાળી પર્વના પગલે આંખ આડા કાન કર્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

ઘણા લોકોએ હજુ ફટાકડાનો સ્ટોક રાખ્યો છે અને આજે શુક્રવારે પણ ઘણા લોકો ફટાકડા ફોડી આનંદ માણશે તેમ જણાય રહ્યુ છે. લોકોએ મોડીરાત સુધી ધૂમ ફટાકડા ફોડતા વાતાવરણમાં ખુબ જ ધૂમાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તહેવારના પગલે જુદા જુદા જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે પરંતુ તંત્ર દ્વારા ભાગ્યે જ પગલા લેવામાં આવતા હોય છે.  

સાયલન્ટ ઝોન પાસે પણ ફટાકડા ફોડતા રોષ 

ભાવનગર શહેર અને જિલ્લામાં સાયલન્ટ ઝોન પાસે ફટાકડા નહી ફોડવા માટે જાહેરનામુ હોય છે, જેમાં હોસ્પિટલ, નસગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, સિનેમાગૃહ, નાટકગૃહ તથા ધામક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ તેમ જણાવવામાં આવ્યુ હતુ પરંતુ તેમ છતા સાયલન્ટ ઝોન નજીક પણ ફટાકડા ફૂટતા દર્દી સહિતના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 

શહેરના મુખ્ય રોડ પર ફટાકડા ફોડતા લોકોમાં નારાજગી 

ભાવનગ શહેરમાં દિવાળી પર્વમાં રાત્રીના સમયે જાહેર રોડ પર ઘણા લોકો ફટાકડા ફોડતા નજરે પડયા હતા અને બેફામ રીતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેમાં વાઘાવાડી રોડ, ઘોઘાસર્કલ, દેવુબાગ, ચિત્રા, મહિલા કોલેજ સહિતના વિસ્તારના રોડનો સમાવેશ થાય છે. આ રોડ પર લોકો અકસ્માત થાય તે રીતે ફટાકડા ફોડતા હતા તેથી વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી. કેટલાક લોકોને ફટાકડાના તીખરા પણ ઉડયા હતા ત્યારે રોડ પર જાળવીને ફટાકડા ફોડવા જરૂરી છે. 


Google NewsGoogle News