ભંડારિયામાં અષ્ટમીએ માતાજીની સવારી નીકળી, દર્શનાર્થે ભાવિકોની ઉમટેલી ભીડ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
ભંડારિયામાં અષ્ટમીએ માતાજીની સવારી નીકળી, દર્શનાર્થે ભાવિકોની ઉમટેલી ભીડ 1 - image


- પ્રાચીન પ્રણાલિકા અને પરંપરાથી વિખ્યાત શકિતધામ

- રાજકીય, સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પદાધિકારીઓ સહિત સમાજના અગ્રગણ્ય લોકો સામેલ થયા

ભંડારિયા : શક્તિધામ ભંડારિયામાં આસો સુદ આઠમને રવિવારે પરંપરાગત રીતે અષ્ટમીનો હવન યોજાયો હતો અને મધરાતે  માતાજીનો સ્વાંગ રચાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શને ઉમટી પડયા હતા અને માતાજીનો જય જયકાર કરાયો હતો. 

ભંડારિયામાં ઉજવાતા નોરતા તેની પ્રાચિન પ્રણાલિકા અને પરંપરાથી વિખ્યાત છે. અહીં  બહુચરાજી માતાના સાનિધ્યમાં ભક્તિ, ભૂંગળ અને ભવાઈનો ત્રિવેણી સંગમ રચાયો છે.અને માતાજીની ભક્તિમાં સૌ લીન થયા છે. રાજકીય, સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારી અને પદાધિકારીઓ સહિતના સમાજના અગ્રગણ્ય લોકો તથા યાત્રિકો,  ભાવિકો નવરાત્રિ ઉત્સવમાં સામેલ થઈ ધન્યતા અનુભવી રહયા છે. દરમિયાન  રવિવારે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી અષ્ટમીનો હવન યોજાયેલ જયારે મધરાતે માતાજી સવારી નીકળી હતી અને જય જયકાર સાથે માતાજી પૂરા માન સન્માન સાથે માણેક ચોકમાં પધારેલ. અહી મંદિરે છઠ્ઠા નોરતે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ડે. મેયર મોનાબેન, શહેર ભાજપના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ સહિતના ભાજપ અગ્રણીઓએ દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો જયારે સાતમાં નોરતે ભાવનગર મહાપાલીકાના કમિશ્નર એન.વી. ઉપાધ્યાયએ બહુચરાજી મંદિર ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહી માતાજીને માથું ટેકવ્યું હતું. સાથે દીપમાળ પ્રગટાવવાનો લાભ લીધો હતો. સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ ભંડારિયામાં ઉજવાતા નોરતા અંગે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News