Get The App

બરવાળામાં ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘૂસી જતા નગરપાલિકાને તાળાબંધી કરાઈ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
બરવાળામાં ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘૂસી જતા નગરપાલિકાને તાળાબંધી કરાઈ 1 - image


- 4 માસથી પમ્પીંગ સ્ટેશનની તમામ મોટરો બંધ

- છેલ્લા 3 વર્ષથી સળગતા ભૂગર્ભ ગટરનો પ્રશ્ન અંતે લોકરોષમાં પરિણમ્યો, રોગચાળાની દહેશત

બરવાળા : બરવાળામાં છેલ્લા બે દિવસથી ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરમાં ઉભરાઈને બહર આવતા લોકોની ધીરજ ખૂટી ગઈ છે તંત્રની મનસ્વી કામગીરીના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી નગરપાલિકા કચેરીએ આક્રોશભેર હલ્લાબોલ કર્યા હતા એટલુ જ નહિ, નગરપાલિકા કચેરીએ જઈને કચેરી સહિતના તમામ વિભાગોમાં તાળા લગાવી દીધા હતા.

બરવાળા નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કર્યા બાદ પણ સુવિધાના નામે કોઈપણ પ્રકારની સવલત જનતાને મળતી નથી. છેલ્લા ત્રણ વર્ષથી બરવાળા નગરપાલિકાનું શાસન રામભરોસે ચાલે છે. સ્થાનિક રહિશોની લાઈટ પાણી અને ગટર જેવી પાયાની સુવિધા અંગેની ફરીયાદ કોઈ સાંભળતુ નથી. આથી તો લોકોએ કંટાળી જઈને ફરીયાદ કરવાનું પણ માંડી વાળ્યુ છે.

બરવાળા શહેરમાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરો છેલ્લા ત્રણ વર્ષથી છલકાઈ રહેલ છે. મોટા ભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળે છે. નગરપાલિકા દ્વારા સમયસર મેઈન્ટેનન્સ નહિ થવાના કારણે ગટરો ઠેર ઠેર ઉભરાઈ રહેલ છે. ભૂગર્ભ ગટર સાફ કરવા માટેના તમામ સાધનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. ભૂગર્ભ ગટરના પાણીના પમ્પીંગ સ્ટેશનોની તમામ મોટરો બંધ હાલતમાં છે. નગરપાલિકાની તિજોરી તળીયા ઝાટક થઈ ગઈ છે. ચાર માસથી કર્મચારીઓના પગાર પણ થયા નથી.આમ, બરવાળા નગરપાલિકાનો વહિવટ સાવ ખાડે ગયો છે. હાલ નગરપાલિકાનું કોઈ ધણી ધોરી નથી. માત્ર ભગવાન જ બચાવે તેવા હાલ છે.છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો છલકાઈને રોડે ચડે છે. વારંવાર નગરજનો આ અંગે ફરીયાદ કરે છે. પરંતુ ફરીયાદનું કોઈ નિરાકરણ નથી આવતુ. અત્યાર સુધી ભૂગર્ભ ગટરની પાણી રોડે ચડતા હતા એ તો લોકોના ઘરમાં ગંદા પાણી ઘુસી જવાથી લોકોને જીવવું ત્રાહિમામ થઈ ગયુ છે.આથી રોષે ભરાયેલા રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યા હતા અને કચેરી સહિતના તમામ વિભાગોમાં તાળા લગાવી દઈ માંગણી કરી હતી કે, જયા સુધી ભૂગર્ભ ગટરો સાફ નહિ થાય ત્યાં સુધી તાળા ખોલવામાં નહિ આવે આ દરમિયાન નગરપાલિકાના શાસકો પણ રફૂચકકર થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. આમ, બરવાળાની જનતાની ધીરજ ખૂટતા લોકો હવે આક્રમક મૂડ સાથે લડી લેવાના મૂડમાં આવી ગયા છે.હવે ન.પા.તંત્ર જાગીને કોઈ કાર્યવાહી કરે છે કે, પછી પ્રશ્નો ઠેરના ઠેર રહે તેવુ કરે છે તેના પર સૌની મીટ છે.

ચોમાસામાં લોકોની હાલત કફોડી થવાના એંધાણ

ત્રણ વર્ષથી ભૂગર્ભ ગટરના પ્રશ્ને લોકોની ફરીયાદ સાંભળવાના બદલે સત્તાધીશો આંખ આડા કાન કરાતા લોકો રોષે ભરાયા છે. આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે.પરંતુ કોઈપણ પ્રકારની પ્રિ મોન્સુન કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરાલ નથી. ભૂગર્ભ ગટરમાં ઠેર ઠેર દાટા હોવાના કારણે ચોમાસામાં લોકોની હાલત કફોડી થવાના એંધાણ છે. 


Google NewsGoogle News