સિહોરમાં બ્રેક ફેઈલ થતાં આઈસર વાહન ખાનગી દવાખાનામાં ઘૂસ્યું
આઈસરનો મોરો બહાર કાઢી ડ્રાઈવર-ક્લિનરને બહાર કાઢી પોલીસે હોસ્પિટલ ખસેડયાં
ઉંધા માથાનો ઢાળ અને ગંદા પાણી વહેતા હોવાથી આ વિસ્તારમાં વાહન અકસ્માતની ઘટના રોજીંદી બની, લીલાપીરના ઢાળ ઉપર સ્પીડબ્રેકર મુકવા જરૂરી
સિહોર: સિહોરના લીલાપીર વિસ્તારમાં બ્રેક ફેઈલ થવાથી આઈસર વાહન ખાનગી દવાખાનામાં ઘૂસી ગયું હતું. જે બનાવમાં આઈસરના ચાલક અને ક્લિનરને ઈજા થતાં પોલીસે વાહનનો મારો બહાર કાઢી ડ્રાઈવર-ક્લિનરને પીસીઆરમાં બેસાડી હોસ્પિટલ ખસેડયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર તાલુકાના ટાણા ગામ તરફથી આવી રહેલ આઈસર નં.જીજે.૦૩.બીવાય.૪૭૬૭ સિહોરના લીલાપીરનો ઢાળ ઉતરી રહ્યો હતો. ત્યારે અચાનક જ બ્રેક ફેઈલ થતાં ઉંધા માથે ઢાળ હોવાથી અને રસ્તા પર ગંદું પાણી વહેતું હોવાથી આઈસરના ચાલકે કાબૂ ગુમાવી દેતા એક ખાનગી દવાખાનામાં આઈસર ઘૂસી ગયું હતું. આ બનાવમાં દવાખાનાની દિવાલ અને શટર તેમજ બાજુમાં આવેલી પ્રોવિઝન સ્ટોરના શટરને નુકશાન થયું હતું. ઘટનાને લઈ લોકો ઉમટી પડયા હતા. જ્યારે બનાવની જાણ થતાં સિહોર પોલીસે તાત્કાલિક દોડી જઈ શટર તોડી તેમજ આઈસરનો મોરો બહાર કાઢી ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા ડ્રાઈવર અને ક્લિનરનો જીવ બચાવી તેમને પોલીસની પીસીઆર વાનમાં બેસાડી સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બન્નેને ભાવનગર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, લીલપીર વિસ્તારમાં ઉંધા માથેનો ઢાળ છે. તેમજ ૨૪ કલાક ગંદા પાણી વહેતા હોવાથી વાહનોની બ્રેક ફેઈલ થવા, સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેવાના કારણે નાના-મોટા અકસ્માતની ઘટનાઓ રોજીંદી બની છે. ત્યારે વાહનોનો ધીમે ચાલે તે માટે જવાબદાર તંત્ર દ્વારા લીલાપીરના ઢાળ ઉપર બેથી ત્રણ સ્પીડબ્રેકર મુકવા લોકોની માંગણી ઉઠી છે.