રાણપુરના રાજપરા ગામના પાટીયા પાસેથી બિન અધિકૃત ઘઉંના 140 કટ્ટા ભરેલુ આઈસર ઝડપાયુ
બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમે તપાસ હાથ ધરી
ઘઉંના કટ્ટા, આઈસર વગેરે મુદ્દામાલ સીઝ કર્યો, જથ્થો પાળીયાદથી ચાંગોદર ભગુદેવ ફ્લોરમીલમાં ઉતારવાનો હતો
બોટાદ: બોટાદ જિલ્લાના રાણપુરના રાજપરા ગામના પાટીયા પાસેથી બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમનો સભ્યોએ બાતમીના આધારે બિન અધિકૃત ઘઉંના ૧૪૦ કટ્ટા ભરેલુ આઈસર ઝડપી પાડયુ હતું. ઘઉંના કટ્ટા, આઈસર વગેરે મુદ્દામાલ સીઝ કરાયો છે. આ જથ્થો પાળીયાદથી ચાંગોદર ભગુદેવ ફ્લોરમીલમાં ઉતારવાનો હોવાનુ જાણવા મળેલ છે. બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.
બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી, રાણપુરના મામલતદાર તથા તપાસણી ટીમ દ્વારા રાણપુર, પાળીયાદ રોડ ઉપર, રાજપરા ગામના પાટીયા પાસેથી આઇસર નં. જીજે ૩૩ ટી પપપ૬ ને ઉભુ રખાવી આઇસરની અંદર તપાસ કરતા અંદાજીત ૧૪૦ કટ્ટા ઘઉંનો જથ્થો બિન-અધિકૃત ભરેલ હતો. તપાસણી સમયે આઇસરના ડ્રાઇવર પ્રેમજીભાઇ હરજીભાઇ મુંધવાનું રૂબરૂ નિવેદન લેતા આ ઘઉંનો જથ્થો અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ રાઠોડ (રહે.પાળીયાદ) ની માલિકીનો છે અને આ જથ્થો પાળીયાદથી ચાંગોદર ભગુદેવ ફ્લોરમીલમાં ઉતારવાનો હોવાનું જણાવેલ છે. આ અંગેના કોઇ બીલ રજુ કરેલ નથી. જે અન્વયે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (નિયમન) આદેશ-૧૯૭૭ મુજબ ઘઉં અંદાજીત ૧૪૦ કટ્ટા જેની કિંમત અંદાજીત રૂ.૧,૭૭,૫૮૦/- અને એક આઇસર વાહન જેની અંદાજીત કિંમત રૂ.૮,૦૦,૦૦૦ વગેરે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ઘઉંનો જથ્થો બોટાદના સરકારી અનાજના ગોડાઉન ખાતે તથા આઇસર રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે.
બિન અધિકૃત ઘઉંનો જથ્થો મળી આવતા ખળભળાટ મળી જવા પામેલ છે અને આ અંગે બોટાદ જિલ્લા પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ હકીકત જાણવા મળશે તેમ ચર્ચાય રહ્યુ છે.