રાજકોટથી તારું અપહરણ કરી, શરીરના કટકા કરી નાખીશ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
રાજકોટથી તારું અપહરણ કરી, શરીરના કટકા કરી નાખીશ 1 - image


- એનજીઓમાં કામ કરતી મહિલાને ધમકી

- સુરત રહેતા ફેસબુક ફ્રેન્ડની લગ્નની અને શારીરિક સંબંધની માંગ નહીં સ્વીકારતાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું, ધરપકડ

રાજકોટ : રાજકોટમાં એનજીઓ સાથે સંકળાયેલી ૩૮ વર્ષની મહિલા પાસે સુરત રહેતાં તેના ફેસબુક ફ્રેન્ડ અનિલ કાળુભાઈ માંગુકીયા (રહે. અમરોલી, સુરત)એ બિભત્સ માંગણી કરી, તે નહીં સંતોષાતા અપહરણ કરી કટકા કરી નાખવાની ધમકી આપ્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. 

ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે તે મૂળ રાજસ્થાનની વતની છે. માતા-પિતાનું નાનપણમાં જ અવસાન થયું હતું. પતિ સાથે મનમેળ નહીં થતાં છૂટાછેટા લઈ લીધા હતા. છેલ્લા આઠેક વર્ષથી એનજીઓ સાથે કામ કરે છે. બે મહિના પહેલાં તેને આરોપીએ ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે સ્વીકારી હતી. દસેક દિવસ બાદ આરોપીએ જૂનો ઘરનો સામાન વેચવાની પોસ્ટ મુકી હતી. જેમાં તેને રસ પડતા મેસેજ કરી આરોપીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. સાથોસાથ સામાનની કિંમત સહિતની વીગતો વોટ્સએપથી મોકલી આપવા કહ્યું હતું. તે વખતે આરોપીએ કહ્યું કે તમારે સામાન જોઈતો હોય તો મફત લઈ જાઓ, મારે સામાન કાઢવાનો જ છે. 

જેથી તેણે મફતમાં સામાન નહીં જોઈતો હોવાનું કહી કિંમત જણાવવા કહ્યું હતું. ત્યારબાદ આરોપી સાથે રૂટીનમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા મેસેજની આપ-લે શરૂ થઈ હતી. એક વખત આરોપી સાથે મેસેન્જરમાં ચેટ થતી હતી ત્યારે આરોપીએ કહ્યું કે તેને મેસેજ ટાઈપ કરવામાં કંટાળો આવે છે, જેથી કોલ કરો. પરિણામે તેણે આરોપીને કોલ કરતા મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ત્રણ-ચાર દિવસ સુધી આરોપી સાથે વાતચીત થઈ હતી. 

આ દરમિયાન આરોપીએ લગ્ન કરવા અને શારીરિક સંબંધ બાંધવા દબાણ શરૂ  કર્યું હતું. પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. જેને કારણે ઉશ્કેરાઈ જઈ આરોપીએ તેને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. સાથોસાથ હું રાજકોટથી તારૂ અપહરણ કરી, તારા કટકા કરી, જાનથી મારી નાખીશ. એટલું જ નહીં તારૂ પાર્સલ બનાવી ગાડીની ડેકીમાં નાખી મુંબઈ પહોંચાડી દઈશ તેવી ધમકીઓ પણ આપી હતી. એમ પણ કહ્યું કે તારા આખા દિવસના લોકેશનની વોટસએપ અને કોલની ડિટેઈલ મારી પાસે છે. આખરે તેણે આરોપીને બધા પ્લેટફોર્મ ઉપર બ્લોક કરી નાખ્યો હતો. તેના થોડા દિવસ બાદ  એક ફેસબુક ફ્રેન્ડે તેને આરોપીનો એક સ્ક્રીન શોટ મોકલ્યો હતો. જેમાં આરોપીએ તેની ફેસબુક આઈડીનો સ્ક્રીન શોટ લઈ તેમાં ફોટા મુકી તેના વિશે ગંદી કોમેન્ટ કરી હતી. 

આખરે કંટાળીને તેણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના આધારે ગઈકાલે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી બીકોમ, એલએલબીની ડીગ્રી ધરાવતો હોવાનું કહી રહ્યો છે. ફરિયાદમાં ફરીયાદી મહિલાએ એમ પણ જણાવાયું છે કે  તેણે આરોપી વિરૂધ્ધ અરજી કર્યાની જાણ થતાં આરોપીએ ફેસબુક ઉપર પોલીસ વિરૂધ્ધ પણ ધિકકારજનક પોસ્ટ મુકી હતી. 


Google NewsGoogle News