ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના ઇશારે મારી ઉપર હુમલો થયો છે
સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાનો ચોંકાવનારો આક્ષેપ
જો કે ખોડલધામના પ્રવક્તાએ નરેશ પટેલના ઇશારે હુમલો થયાના આક્ષેપો નકારી કાઢ્યા
રાજકોટ : રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (ઉ.વ.૫૮)એ ગઇકાલે પોતાની ઉપર પીઆઈ સંજય પાદરિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો કર્યાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જો કે ખોડલધામના પ્રવક્તાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
કણકોટ-મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ગઇકાલે રાત્રે જયંતિભાઈ સરધારા (રહે. શ્રીરામ પાર્ક-૧, કોઠારીયા મેઇન રોડ) ઉપર પીઆઈ સંજય પાદરિયાએ પિસ્તોલ જેવા હથિયાર વડે ખૂની હુમલો કર્યો હતો. જે અંગે મોડી રાત્રે તાલુકા પોલીસે ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં જયંતિભાઈએ જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે પોતાની કાર લઇ મિત્ર રમેશભાઈ કોટના પુત્રના લગ્નમાં હાજરી આપવા શ્યામ પાર્ટી પ્લોટ ગયા હતા. રાત્રે ૮.૩૦ વાગ્યે ફંકશનમાં અન્ય અગ્રણી અને મિત્રો સાથે વાતચીત કરતા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો. જેણે તેને કહ્યું કે હું સંજયભાઈ પાદરીયા પીઆઈ છું અને જૂનાગઢ એસઆરપી રિજીયનમાં ફરજ બજાવું છું, તું સમાજનો ગદ્દાર છે. આવું કહી તેને મારવાની કોશિષ કરતાં અન્ય અગ્રણીઓએ વચ્ચે પડી ઝઘડો અટકાવ્યો હતો.
તે વખતે પીઆઈ સંજય પાદરિયાએ કહ્યું કે હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, જેથી તને હવે અહીંથી જીવતો જવા દેવો નથી. ત્યાર પછી ત્યાંથી પીઆઈ સંજય પાદરિયા જતો રહ્યો હતો. આ પછી તે ફંકશન પૂર્ણ કરી પાર્કિંગમાં રાખેલી કાર સુધી પહોંચ્યા હતા. તે વખતે પીઆઈ સંજય પાદરિયા તેની કારના આડે આવ્યો હતો અને તેની કાર ઉભી રખાવી કારની બહાર આવવાનું કહ્યું હતું.
જેથી તે બહાર નીકળતા પીઆઈ સંજય પાદરિયાએ પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવા કોઇ હથિયાર વડે સીધો તેના માથામાં હુમલો કરી દીધો હતો. પરિણામે તે નીચે પડી ગયા હતા. આ પછી તેને ગડદાપાટુનો માર મારી, ગાળાગાળી કરી કહ્યું કે તને પતાવી જ દેવો છે.
તેવામાં ત્યાં અજાણ્યા વ્યક્તિઓએ આવી તેને છોડાવ્યો હતો. તેને માથાના ભાગે ઇજા થવાથી લોહી નીકળવા લાગ્યું હતું. તત્કાળ કારમાં બેસી અને સીધા ખાનગી હોસ્પિટલે જઇ દાખલ થઇ ગયા હતા.
ફરિયાદમાં વધુમાં જયંતિભાઈએ જણાવ્યું છે કે તે સરદારધામ સૌરાષ્ટ્ર, સોમનાથ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. જે ખોડલધામ ટ્રસ્ટ અને નરેશભાઈ પટેલને પસંદ નથી. જેને કારણે સમાજમાં ગદ્દાર છીએ તેમ કહી પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો. સાથો મારી નાખવાની ધમકી આપી, મારી નાખવાની કોશિષ પણ કરી હતી. સાથોસાથ એમ પણ કહ્યું કે બહાર મારા માણસો ઉભા છે, તને મારીને કૂવામાં ફેંકી દેવો છે.
બીજી તરફ જયંતિભાઈએ વાતચીતમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે પોતાની ઉપર હુમલો થયાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આજે સવારે આ આક્ષેપોને નકારી કાઢી કહ્યું કે નરેશભાઈ પટેલ હાલ વિદેશમાં છે, તેમને આ ઘટનાની જાણ થતાં ચિંતા વ્યક્ત કરી ઘટનાને કમનસીબ ગણાવી કહ્યું છે કે આવું થવું ન જોઇએ, આપણે સર્વસમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોઇએ ત્યારે સમાજમાં ને સમાજમાં આવું બને તે દુઃખદ છે, જે ઘટના બની છે તે અંગત બાબતોને લઇને બની હોય તેમ જણાય છે, આમા ખોડલધામ ન હોઇ શકે. સરદારધામ અને ખોડલધામ સમાજની સંસ્થાઓ છે. બંને સંસ્થાઓ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે. બંને સંસ્થાને એકબીજા પ્રત્યે કોઇ મતભેદો નથી.
અમદાવાદમાં છાત્રની હત્યામાં પોલીસમેનની સંડોવણી બાદ
ખૂનની કોશિષમાં સીધી પીઆઈની સંડોવણી ખૂલી
આરોપી પીઆઈ સંજય પાદરિયા જૂનાગઢના ચોકી એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે
અમદાવાદમાં એક છાત્રની હત્યામાં પોલીસમેનની સંડોવણી ખૂલતા તેનો વિરોધ વંટોળ હજુ શમ્યો નથી તેવામાં રાજકોટમાં ભાજપના આગેવાન અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા ઉપર થયેલા ખૂની હુમલામાં એક પીઆઈની સીધી સંડોવણી ખૂલતા ચર્ચા જાગી છે. આ પીઆઈને પકડવા માટે રાજકોટ પોલીસની જુદી-જુદી ટીમો કામ કરી રહી છે.
આરોપી પીઆઈ સંજય પાદરિયા જૂનાગઢના ચોકી ખાતેના એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે. જેને આજ સાંજ સુધી સસ્પેન્ડ કરાયો નથી. રાજકોટના કેસમાં આરોપી તરીકે એક પીઆઇની સંડોવણી ખૂલી હોવાથી તપાસ એસીપીને સોંપવામાં આવી છે.
તપાસ કરનાર એસીપી ચૌધરીએ જણાવ્યું કે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી તેને એફએસએલમાં મોકલવા માટે તજવીજ કરાઇ છે. ફૂટેજ ક્લીયર નહીં હોવાથી ખરેખર પિસ્તોલ જેવા હથિયારનો ઉપયોગ થયો છે કે પછી બીજા કોઇ હથિયારનો તે પણ હજુ સ્પષ્ટ થયું નથી. હથિયાર બાબતે આરોપી પકડાયા પછી જ સ્પષ્ટતા થશે. સ્થળ પરથી જયંતિભાઈના લોહીના નિશાન અને તેણે પહેરેલી માળાના નાના મણકા મળી આવ્યા છે. જ્યારે આરોપી પીઆઈના શર્ટના બટન પણ મળ્યા છે.
જે બે જણા વચ્ચે પડયા હતા તેમની ઓળખ કરી તેમને આ કેસમાં સાક્ષી બનાવાશે.