ધ્રોલના જાયવા ગામ નજીક ગોઝારા અકસ્માતમાં પતિ-પત્ની, પુત્રીનાં મોત
- જામનગર- રાજકોટ ધોરીમાર્ગ ફરી બન્યો રક્તરંજીત
- વાપીથી પોતાનાં વતન ભેંસદડ ગામે સ્કૂટર પર આવી રહેલો પરિવાર બોલેરોની ટક્કરે મોતને ભેટયો
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી વાપી વિસ્તારમાં સ્થાઇ થયેલા સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉં.વ.૩૭) કે જે પોતાના પત્ની ઇનાબેન ચોટલીયા (ઉં.વ.૩૬) તથા તેમની ચાર વર્ષની પુત્રી નિષ્ઠાને એકટીવા સ્કૂટરમાં બેસાડીને વાપીથી પોતાના વતન ભેંસદડ ગામે આવી રહ્યા હતા. જે દરમિયાન આજે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે આવી રહેલી બોલેરાના ચાલકે એકટીવા સ્કૂટરને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંજયભાઈ અને તેમના પત્ની ઇનાબેન તથા પુત્રી નિષ્ઠા ત્રણેય ગંભીર સ્વરૂપે ઇજાગ્રસ્ત બન્યા હતા. અને બોલેરો ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન છોડીને ભાગી છૂટયો હતો.
આ બનાવ સમયે ત્યાંથી પસાર થનાર અન્ય વાહનચાલકો વગેરેએ સ્થળ પર ઊભા રહીને તાત્કાલિક અસરથી ૧૦૮ની ટુકડીને બોલાવતા ત્રણેયને વધુ સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારે સંજયભાઈ અને તેમના પત્ની ઇનાબેન બંનેએ માર્ગમાં જ દમ તોડી દીધો હતો. અને હોસ્પિટલે માત્ર તેઓના મૃતદેહ જ પહોંચ્યા હતા. જયારે ચાર વર્ષની પુત્રી નિષ્ઠા, કે જે પણ ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત બની હતી. અને તેની સારવાર શરૂ કરાય તે પહેલાં તેણી સરકારી હોસ્પિટલના બીછાને મૃત્યુ પામી હતી, જેથી આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણેય વ્યક્તિના મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી વ્યાપી હતી.
આ અકસ્માતના બનાવની જાણ ભેંસદડ ગામમાં રહેતા મૃતક સંજયભાઈના કુટુંબી કાકા રાજેશભાઈ મેઘજીભાઈ ચોટલીયાએ ધ્રોલ પોલીસને કરતાં ધ્રોલના પી.આઇ. એચ.વી. રાઠોડ તેમની ટીમ સાથે ઘટના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને ત્રણેયના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.જયારે રાજેશભાઈ ચોટલીયાની ફરિયાદના આધારે આ ગોઝારો અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. અને માર્ગ પર રેઢી પડેલી બોલેરો કબજે કરી લઈ તેના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.