શેખપાટનાં મહિલા સરપંચનો પતિ અને ઉપસરપંચ લાંચ લેતાં પકડાયા
જામનગર એસીબી ટીમ દ્વારા 'એન્ટી કરપ્શન ડે'ના દિવસે જ સફળ છટકું
માટીનાં કામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી બન્નેએ રૂા.૩૦-૩૦ હજારની લાંચ માંગી અને જામનગરમાં લાલ બંગલા પાસે લેવા આવતા રંગેહાથ ઝડપાયા
જામનગર: જામનગરની લાંચરૂશ્વત શાખા દ્વારા આજે 'વર્લ્ડ એન્ટી કરપ્શન-ડે'ની ઉજવણી કરવામાં આવી હતી, અને તેની સાથે જ લાંચનું છટકું પણ ગોઠવવામાં આવ્યું હતું. અને શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ તથા ઉપ-સરપંચને એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા ૬૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા હતા. લાલ બંગલા સર્કલમાં લાંચ લેવા અંગેનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અને બંનેની અટકાયત કરી લેવાઇ હતી.
જામનગરની એન્ટી કરપ્શન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ગોહેલ તેમજ એ.સી.બી. ની સમગ્ર ટીમ દ્વારા આજે નવમી ડિસેમ્બરના દિવસે 'વર્લ્ડ એન્ટી કરપ્શન ડે' ની ઉજવણી કરવામાં આવી હતી, અને તે અંગેનો જામનગરની એક સ્કૂલમાં કાર્યક્રમ પણ યોજાયો હતો, અને વિદ્યાર્થીઓને લાંચ રૂશ્વત ધારા સંબંધી જરૂરી માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી, અને તે અંગેના જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આજના દિવસે જ એસીબીની ટીમ દ્વારા લાંચનું સફળ ઓપરેશન પણ પાર પાડવામાં આવ્યું હતું.
જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ મનસુખ નાથા ચાવડા કે જેઓ શેખપાટ ગામના હાલ સભ્ય છે. તે ઉપરાંત ઉપ સરપંચ રામજીભાઈ કણઝારીયા કે જેઓએ ગામમાં જ એક કોન્ટ્રાક્ટરને માટીકામ કરવા દેવા માટે લાંચની માંગણી કરી હતી. અમારા ગામમાં કામ કરવું હોય તો તમારે પૈસા તો આપવા જ પડશે. તેમ કહીને કોન્ટ્રાક્ટર પાસેથી બંને એ ૩૦,૩૦ હજાર રૂપિયા ની લાંચ ની માંગણી કરી હતી.
જો કે કોન્ટ્રાક્ટર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ જામનગર ની એ.સી.બી. શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને જામનગરના લાલ બંગલા સર્કલમાં આજે નવમી ડિસેમ્બરના મોડી સાંજે લાંચની રકમ આપવા માટેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે મુજબ જામનગર એ.સી.બી.ની ટિમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, અને ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા સરપંચના પતિ અને ઉપ-સરપંચ રૂપિયા ત્રીસ ત્રીસ હજારની લાંચની રકમ સ્વીકારવા માટે આવતાં એ.સી.બી.ની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા.
તેઓને જામનગર એ.સી.બી.ની કચેરીમાં લઈ જવામાં આવ્યા હતાં અને તેઓ સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ હાથ ધરવામાં આવી હતી.