મેં અને મારા પિતાએ હનીટ્રેપમાં ફસાવ્યાના પતિએ આક્ષેપ કર્યા હતા
રાજકોટની પરિણીતાની જૂનાગઢનાં સાસરિયાઓ સામે ફરિયાદ
સાસરિયાઓ અંધશ્રધ્ધામાં માનતા, પતિને પૂજામાં વિધ્ન ન આવે તે માટે સાસુ પરાણે લીમડાનો કાવો પીવા દબાણ કરતા
રાજકોટ: હાથીખાના શેરી નં.૧પમાં કેશવ વિલા એપાર્ટમેન્ટમાં છેલ્લા બારેક દિવસથી પિયરને ત્યાં રહેતી પાયલબેન નામની ૩૭ વર્ષની પરિણીતાએ પતિ પરેશ ઝવેરીલાલ લોઢીયા, સાસુ ઈન્દુબેન, દિયર નિલેશ અને દેરાણી આરતી (રહે. બધા ગીરનાર દરવાજા, ભેળાવાવ રોડ, જૂનાગઢ) વિરૂધ્ધ ત્રાસની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પાયલબેને જણાવ્યું છે કે ર૦૧૯માં તેણે પરેશ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ રીતીરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમના આ બીજા લગ્ન હતા. તેના પ્રથમ લગ્નથી પુત્રની પ્રાપ્તી થઈ હતી. જે હાલ આગલા પતિ પાસે છે. લગ્ન બાદ સંયુકત કુટુંબમાં રહેવા આવી હતી. લગ્નના ત્રણેક માસ પછી તેને જાણવા મળ્યું હતું કે સાસુને તે ગમતી નથી. જેને કારણે સાસુ અવાર-નવાર તેની સાથે ઝઘડા કરતા હતા. રસોઈ અને ઘરકામ બાબતે પણ ઝઘડા કરતા હતા. જો તે બિમાર પડે તો તો તું તો બિમાર જ રહે છે તેમ કહી મેણાં મારતા હતા. એટલું જ નહીં જેમફાવે તેમ બોલતા હોવાથી તેણે એક દિવસ સાસુને કહી દીધું કે હું લગ્ન કરીને તમારા મેણાં ટોણા સાંભળવા નથી આવી. આ વખતે દેરાણીએ જેમફાવે તેમ બોલી કહ્યું કે જો વધારે બોલીશ તો ફડાકો મારીશ, તારો બાપ પણ આડો નહીં આવે.
સાસરિયાઓ અંધશ્રધ્ધામાં ખૂબજ માનતા હોવાથી તેના પતિને પૂજામાં વિધ્ન ન આવે તે માટે સાસુ તેને લીમડાનો કાવો પીવા દબાણ કરતા હતા. પતિ પણ સાસરિયાઓની વાતમાં આવી જેમફાવે તેમ બોલી મારકૂટ કરતો હતો. તેના પતિને રોજ શ્રીખંડ ખાવાની આદત હતી, તે બાબતે દિયરે તેની સાથે ઝઘડો કરી ઘરમાંથી નીકળી જવાનું કહેતાં સામે આવેલા પતિના ફલેટમાં જતી રહી હતી. ત્રણેક દિવસ પછી સાસુએ ભેગા રહેવાનું કહ્યું હતું પણ તેણે ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં તેણે દિયર જો માફી માગે તો જ સાથે રહેવાની શરત મૂકી હતી. જે પતિને નહીં ગમતાં તેને મારકૂટ કરી હતી.
ત્યારબાદ દિયરે ઘરે આવી, ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં તેને પિયર જતા રહેવાનું કહ્યું હતું. પતિએ તેના વિરૂધ્ધ તેણે અને તેના પિતાએ હનીટ્રેપમાં ફસાવ્યા છે તેવા ખોટાં આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત ફલેટના રહિશોને શ્રાપ આપ્યા હતા. જેથી તેમણે તેને પતિને સમજાવટ કરવાનું કહ્યું હતું. તેણે સમજાવટનો પ્રયાસ કરતાં પતિએ ગાળાગાળી કરી, મારકૂટ કરી હતી. એટલું જ નહીં તેને કહ્યા વગર તેની બચતના રૂા.ર૦ હજાર લઈ જતો રહ્યો હતો. જેથી તેણે જૂનાગઢના બી-ડિવીઝન પોલીસ મથકમાં પતિ ગુમ થયાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તે માતા સાથે પિયર આવતી રહી હતી. પરંતુ આજ સુધી પતિ કે સાસરિયા પક્ષના સભ્યો તેડવા આવ્યા નહીં હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.