Get The App

ઘરના ઘાતકી : કાકડિયા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે જ પેપર ફોડયું

Updated: Apr 5th, 2023


Google NewsGoogle News
ઘરના ઘાતકી : કાકડિયા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે જ પેપર ફોડયું 1 - image


- બી.કોમ. સેમ-6 નું ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પેપરલીક કાંડનો પર્દાફાશ

- ડો.અમિત ગલાણીએ પેપરનો ફોટો પાડી તેની પરિચિત વિદ્યાર્થિનીને ઈરાદાપૂર્વક મોબાઈલ આપ્યો : તપાસ બાદ કેન્દ્ર સંચાલક ઈન્ચાર્જ આચાર્ય, વિદ્યાર્થિની, વિદ્યાર્થી સહિત ચાર સામે કુલસચિવે પોલીસ ફરિયાદ નોંધાવી

ભાવનગર : મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીની બી.કોમ.ની પરીક્ષાના પેપરલીક કાંડમાં ઘરના ઘાતકી નીકળ્યાં હોય તેમ કાકડિયા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે જ ફાઈનાન્સ એકાઉન્ટનું પેપરનો ફોટો પાડેલો મોબાઈલ ફોન તેની પરિચિત વિદ્યાર્થિનીને ઈરાદાપૂર્વક આપ્યાની ઘટસ્ફોટ થયો છે. યુનિ.ની તપા સમિતિએ સમગ્ર મામલે જીણવટભરી તપાસ કર્યા બાદ કેન્દ્ર સંચાલક ઈન્ચાર્જ આચાર્યની ભુંડી ભૂમિકા બહાર આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિની, ઈન્ચાર્જ આચાર્ય સહિત ચાર સામે કુલસચિવે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના અંગે મળતી સઘળી વિગત અનુસાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી-ભાવનગર દ્વારા કોેલેજની વિવિધ ફેકલ્ટીની પરીક્ષા લેવામાં આવી રહી છે. દરમિયાનમાં ગત તા.૧-૪ના રોજ બી.કોમ. સેમસ્ટર-૬ના ફાઈનાન્સ એકાઉન્ટ (મેનેજમેન્ટ એકાઉન્ટીંગ)  પેપર નં.૭, કોડ-૨૩૨૦૦ની પરીક્ષા લેવાઈ હતી. ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર શરૂ થાય તે પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા તા.૨-૪ને રવિવારે એમ.કે.બી.યુ.ની પરીક્ષામાં પેપરલીક કાંડનો પર્દાફાશ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરમાં પુરાવાઓ સાથે ટ્વીટ કર્યું હતું. જેને લઈને યુનિ.ના સત્તાધિશો હરકતમાં આવ્યા હતા અને કુલપતીના આદેશથી તાત્કાલિક ત્રણ સભ્યોની તપાસ સમિતિનું ગઠન કરી પેપરલીક કાંડની સત્યતા તપાસવાનું કામ આદર્યું હતું.

સમિતિની પ્રાથમિક તપાસમાં યુનિ. દ્વારા લેવામાં આવનાર ફાઈનાન્સ એકાઉન્ટની જે પરીક્ષા લેવાની હતી. તે જ પેપરના ચાર ફોટા પરીક્ષા શરૂ થયા પહેલા વોટ્સએપમાં વહેતા થયાનું બહાર આવ્યું હતું. જેના આધારે આગળની તપાસ કરતા સમગ્ર પેપરલીક કાંડમાં જી.એલ. કાકડિયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો.અમિત વી.ગલાણીની વરવી ભૂમિકા બહાર આવી હતી. જેમાં યુનિ.એ ફાઈનાન્સ એકાઉન્ટના સીલબંધ પ્રશ્નપત્રોને પુરતા પ્રોટેક્શન સાથે કાકડિયા કોલેજમાં પહોંચાડયા બાદ ડો.ગલાણીએ સ્ટ્રોંગરૂમમાં મુકવાના બદલે હાથવગા રાખી તા.૧-૪ને શનિવારે બપોરે ૧૨-૪૩થી ૩-૫૨ કલાકના કોઈપણ અરસામાં પેપર ફોડવાના ઈરાદે સીલબંધ કવર તોડી પેપરના ફોટા પાડી લઈ કોલેજની હોસ્ટેલમાં રહેતી તેની પરિચિત વિદ્યાર્થિની સૃષ્ટી બોરડાને ઈરાદાપૂર્વક મોબાઈલ ફોન આપી દીધો હતો.

ત્યારબાદ વિદ્યાર્થિની સૃષ્ટી બોરડાએ પણ ઈન્ચાર્જ આચાર્ય ડો.અમિત ગલાણીના મોબાઈલ ફોનમાં રહેલી પેપરની ફોટોકોપી વિવેક મકવાણા નામના વિદ્યાર્થીને મોબાઈલમાં ફોટો પાડી અજય લાડુમોરને વોટ્સએપમાં મોકલી આપવા કહ્યું હતું. પરંતુ વિવેકે તેના મોબાઈલ નંબર ૯૭૨૬૨૪૨૨૪૪ વાળા ફોનમાં ફોટા પાડી યશપાલસિંહ ગોહિલ (માલપર) અને રાહુલ ડાંગરને પેપરના ફોટા મોકલી આપી પેપર વાયરલ કર્યો હતો. જે પેપર વિદ્યાર્થી નેતા સુધી પહોંચતા તેમણે સમગ્ર કૌભાંડનો ભાંડો ફાંડયો હતો.

તપાસ કમિટીની નિષ્પક્ષ તપાસમાં છતી થયેલી હકીકતના આધારે આજે મંગળવારે એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના કુલસચિવ ડો.કૌશિકભાઈ લાભશંકરભાઈ ભટ્ટ (ઉ.વ.૫૫)એ સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં પેપર ફોડનાર મુખ્ય કૌભાંડી ડો.અમિત વી. ગલાણી, સૃષ્ટીબેન બોરડા, અજય લાડુમોર અને વિવેક મકવાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૦૯, ૧૨૦બી, ૧૧૪, ૩૪ અને આઈ.ટી. એક્ટની કલમ ૭૨, ૭૨ (એ) મુજબ ગુનો દાખલ કરી ડો.અમિત ગલાણી, અજય લાડુમોર અને વિવેક મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે વિદ્યાર્થિની સૃષ્ટી બોરડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.

એલસીબી-એસઓજીની ટીમોનું ગઠન કરી ત્રણને ઉઠાવી લેવાયા

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં પેપરના નિર્ધારિત સમય પહેલા ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અમિત ઘેલાણીએ ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર ફોડયાં બાદ વિદ્યાર્થીઓ દ્વારા પેપરને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું. આ પેપરલીકના કૌભાંડની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમોનું ગઠન કરી સીસીટીવી કેમેરા તપાસી ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અમિત ઘેલાણી, અજય લાડુમોર અને વિવેક મકવાણાને દબોચી લીધા હતા. આ ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે તેમજ પેપરલીક કાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તે બાબતે પોલીસ આગળની ઘનિષ્ઠ તપાસ હાથ ધરશે તેમ નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલે માહિતી આપી હતી.


Google NewsGoogle News