ઉપલેટાનાં હોમ કોરોન્ટાઇન ટ્રક ડ્રાઇવરનો જૂનાગઢ નજીક આપઘાત
- બેંગ્લોરથી ટ્રક લઇને આવ્યો'તો: ડેરવાણ ગામની સીમમાં ઝેરી દવા પી લીધીઃ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો'તો !
રાજકોટ, તા. 10 એપ્રીલ 2020, શુક્રવાર
ઉપલેટામાં કોરોના હોવાની શક્યતાથી હોમ કોરોન્ટાઇનમાં રહેલા 30 વર્ષીય ટ્રક ડ્રાઇવર ઘનશ્યામ સામતભાઇ કંડોરીયાએ જૂનાગઢ નજીક ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉપલેટામાં રહેતો અને મુળ જામજોધપુર પંથકનો ઘનશ્યામ સામતભાઇ કંડોરીયા (ઉ.30) ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. થોડા દિવસ પહેલા તે ટ્રક-ડ્રાઇવીગ કરીને બેંગ્લોરથી ઉપલેટા આવ્યો હતો. ત્યારબાદ તેને કોરોના થવાની સંભાવના હોવાના કારણે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો.
તા.૪ થી તેને હોમ કોરોન્ટાઇન કરાયા બાદ કાલે તા. 9ને ગુરૂવારે ઘરેથી ભાગી છૂટયો હતો અને જુનાગઢના ડેરવાણ ગામની સીમમાં ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો. ઉપલેટા ખાતે ઘનશ્યામ કંડોરણા તેની માતા સાથે રહેતો હતો અને આ અગાઉ પણ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે જુનાગઢ ગ્રામ્ય પોલીસ અને વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.