Get The App

બરવાળા-ધંધુકા હાઇવે પર હીટ એન્ડ રન, કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
બરવાળા-ધંધુકા હાઇવે પર હીટ એન્ડ રન, કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત 1 - image


- બરવાળાના ખોડિયાર મંદિરે દર્શન કરી દંપતી અને પુત્ર બાઈક પર પરત આવતા હતા ત્યારે

- પિતા-પુત્રને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા : આરોપીની 24 કલાકમાં ધરપકડ કરવાની ખાતરી બાદ મહિલાના મૃતદેહનો પરિવાર દ્વારા સ્વીકાર

બરવાળા : બરવાળાના ખોડિયાર મંદિરે દર્શન કરી દંપતી અને પુત્ર બાઈક પર પરત આવતા હતા ત્યારે બરવાળા-ધંધુકા હાઇવે પર બીએમડબલ્યુ કારે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ કાર ચાલકની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકના પરિવારજનોએ ઈન્કાર કર્યો હતો. પરંતુ ૨૪ કલાકમાં આરોપી કાર ચાલકને ઝડપી લેવાની બરવાળા પોલીસની ખાતરી બાદ મૃતદેહનો સ્વીકાર કરાયો હતો. 

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બરવાળાના કૈલાશનગર ખાતે રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા નિમેશભાઈ હિતેશભાઈ પરમાર, તેમના પત્ની હર્ષિતાબેન તથા તેમનો પુત્ર પાશ્વ ત્રણેય ગઈ કાલ તા.૨૮ના રોજ રાત્રીના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં બરવાળામાં ખોડીયાર મંદિર દર્શન કરવા માટે મોટરસાયકલ નંબર જીજે-૦૧-ડીએસ-૯૫૯૫ લઈને ઘરેથી નીકળ્યા હતા. તેઓ દર્શન કરીને પરત આવતા હતા ત્યારે નિમેશભાઇએ બરવાળા-ધંધુકા હાઇવે પ૨ કોલેજની પાસે પહોંચ્યા હતા. ત્યાં નિમેશભાઈએ મોટરસાયકલમાં પેટ્રોલપંપેથી પેટ્રોલ પુરાવ્યું હતું અને પરત બરવાળા તરફ આવતા હતા ત્યારે બીએમડબલ્યુ કાર નંબર જીજે-૦૫-આરએન-૯૯૭૯ ના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી મોટરસાયકલ સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર દંપતી તથા તેમના પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર માટે બરવાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નિમેશભાઈના પત્ની હર્ષિતાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે નિમેશભાઇ તથા પાર્શ્વને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.  

અકસ્માત સર્જીને બીએમડબલ્યુ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં લોકો બરવાળાના સરકારી દવાખાને દોડી આવ્યા હતા. જ્યાં સુધી આરોપી કાર ચાલકની ધરપકડ ન થાય ત્યાં સુધી હર્ષિતાબેનનો મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોએ ના પાડી દીધી હતી. બાદમાં, બરવાળાના પીએસઆઈ એસ.જી. સરવૈયાએ પરિવારજનો સાથે મુલાકાત કરી ૨૪ કલાકમાં આરોપીને ઝડપી લેવાની ખાતરી આપતા અંતે પરિવારજનોએ બપોર બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.  બનાવ સંદર્ભે મૃતકના સસરા હિતેશભાઈ ચમનભાઇ પરમારે બરવાળા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News