માળિયાના દહીંસરા નજીક હિટ એન્ડ રનઃ પિતા-પુત્ર તથા પુત્રીનાં કરૂણ મોત
અજાણ્યાં વાહને બાઇક ઉપર જતાં પરિવારને ઉડાડયો
પાણીપુરીનો ધંધાર્થી યુવાન તેની પત્ની અને ૩ બાળકો સાથે બર્થ-ડે પાર્ટી મનાવી પરત વવાણિયા ગામે જતો હતો ત્યારે અકસ્માતઃ પત્ની તથા પુત્રીને ગંભીર ઇજા
મોરબી: માળિયા તાલુકાના નાના દહીંસરા ગામ નજીક અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈકમાં સવાર શ્રમિક પરિવારને અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા બાઈક સવાર દંપતી અને બાળકો ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં માસૂમ બે માસૂમ બાળકો અને પિતા એમ ત્રણના મોત થયા હતા તો માતા અને પુત્રીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ગમખ્વાર અકસ્માતની મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણીયા ગામમાં રહીને પાણીપુરીનો ધંધો કરતા મૂળ મધ્ય પ્રદેશના કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર સરુભાઈ કુસવાહ, તેના પત્ની લક્ષ્મીબેન, પુત્રી પરી (ઉ.વ.૫), દીકરો શુભમ (ઉ.વ.૦૨) અને દીકરી બેબી (ઉ.વ.૨) બધા બાઈક લઈને પરિવાર સાથે પીપળીયા ચાર રસ્તા ખાતે બર્થ-ડે પાર્ટી મનાવી પરત જતા હતા ત્યારે નાના દહીંસરા ગામ પાસે રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા પરિવાર ફંગોળાઇ ગયો હતો.
જે અકસ્માતમાં બાઈક ચાલક કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર સરુભાઈ કુસવાહ (ઉ.વ.૩૫), બે વર્ષનો પુત્ર શુભમ અને પાંચ વર્ષની પુત્રી પરી એમ પિતા-બાળકો સહીત ત્રણના મોત નીપજ્યા હતા જયારે બાઈકમાં સવાર લક્ષ્મીબેન કુસવાહ (ઉ.વ.૩૦) અને દિકરી ખુશી (ઉ.વ.૨) એમ માતા પુત્રીને ગંભીર ઈજા થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે માળિયા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતના બનાવની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તો શ્રમિક પરિવારના યુવાન અને બે બાળકોના મોત થયા છે. જયારે પત્ની અને પુત્રી સારવાર હેઠળ છે. શ્રમિક પરિવારનો માળો વિખાઈ જવા પામ્યો છે. અને ગમખ્વાર અકસ્માતને પગલે શ્રમિક પરિવારમાં ગમગીની વ્યાપી જવા પામી છે.