આંગણવાડી બહેનોને સરકારી નોકરીયાતમાં સમાવી સમાન વેતન આપવા હાઇકોર્ટનો ચુકાદો
- ગ્રેજ્યુટી ચુકવવાના આદેશ બાદ
- ચુકાદાનો વહેલીતકે અમલવારી કરવા સીટુ સહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની માંગ
તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કેરિયલે ગુજરાતની એક લાખ ૫૦૦૦ તથા દેશની ૨૪ લાખ આંગણવાડી વર્કરોની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને જે નામદાર ગુજરાત હાઇકોર્ટના પોર્ટલ ઉપર તાજેતરમાં પ્રકાશિત કરાયેલ છે. નામદાર ગુજરાત હાઇકોર્ટે આંગણવાડી વર્કર તથા હેલ્પરને સ્પષ્ટપણે સરકાર દ્વારા ભેદભાવ કરાતો હોવાનું જણાવી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરીયાત તરીકે સમાવેશ કરવા તથા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને અપાતા સ્કેલ સાથેના લઘુત્તમ વેતન જેટલું વેતન અને તમામ લાભો આપવા માટેના આદેશ કરેલ છે. આદેશમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારને આંગણવાડી વર્કર અને હેલ્પરને રેગ્યુલાઇઝ કરવાનું તથા પે સ્કેલ મુજબ પગાર ચુકવવાનું તેમજ કાયમી સરકારીનો નોકરિયાત તરીકે સમાવેશ કરવાની કાર્યવાહી છ માસમાં પૂર્ણ કરવા માટે પણ આદેશ કરેલ છે. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને તથા કેન્દ્ર સરકારને આદેશ આપીને જણાવેલ છે કે, આંગણવાડી વર્કર હેલ્પરને રાજ્ય તથા કેન્દ્ર સરકારના નોકરીયાત તરીકે સિવિલ પોસ્ટમાં સમાવેશ કરવા પોલીસી બનાવવી તેમજ તેથી મળતા તમામ લાભો આપવા, આવી નીતિ બનાવતા સમયે ગુજરાત સિવિલ સર્વિસ જનરલ રૂલ્સ ૧૯૬૭ મુજબ સિવિલ પોસ્ટમાં આ બહેનોનો સમાવેશ કરવો, તે માટે સિવિલ પોસ્ટ ઉભી કરી પે સ્કેલ મુજબના પગાર ચુકવવા, તથા કટ ઓફ ડેટ નક્કી કરી એ દિવસથી એરિયર્સની રકમ ચુકવવી, આંગણવાડી વર્કરને વર્ગ-૩ અને હેલ્પરને વર્ગ-૪માં મળતા લઘુત્તમ પગાર ધોરણ પ્રમાણે પગારો ચુકવવા, આ રેગ્યુલર કરવાની સમગ્ર પ્રક્રિયા સરકારે છ માસમાં પૂર્ણ કરવી અને સરકાર રેગ્યુલર કરવાનો નિર્ણય કરે તે દરમિયાન ત્રીજા ચોથા વર્ગના નોકરીયાતને મળતું લઘુત્તમ વેતન ચુકવવું. સીટુના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરૂણ મહેતા તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રીએ જણાવેલ છે કે આ ચુકાદાથી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માંગણી તદ્દન વ્યાજબી હોવાનું સાબિત થયું છે અને તેથઈ સરકારે કોઇપણ જાતના વિલંબ કર્યાં વિના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવા આવશે તેવી સ્પષ્ટ જાહેરાત કરવી જોઇએ.