ભારતીય નેવીમાં ફરજ બજાવતા ભાવનગરના જવાનની વીરગતિ
- ગોવાના મડગામ ખાતે સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન અકસ્માત થયો
- બકરી ઈદની રજામાં ઘરે આવ્યા હતા અને છેલ્લે ત્રણ દિવસ પૂર્વે ઘરના સભ્યો સાથે વાત કરી હતી, પરિવારમાં ભારે શોક
શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં રહેતા અને ગોવાના મડગામમાં ખાતે છેલ્લા ૮ વર્ષથી ભારતીય નેવીમાં ફરજ બજાવતા ઉસ્માનભાઈ અહેસાનભાઈ અન્સારી (ઉ. વ. ૨૮) વીરગતિ પામ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ કલાકના અરસામાં સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને તેઓ વીરગતિ પામ્યા હોવાની માહિતી તેમના પરિવારને મળતા પરિવારમાં ભારે શોક વ્યાપ્યો હતો. તેમના પાર્થિવદેહને આજે મોડી રાત્રે હવાઈમાર્ગે ગોવાથી અમદાવાદ અને અમદાવાદથી રોડ માર્ગે વતન લાવવામાં આવશે તથા આવતીકાલે સવારે ૧૦ કલાકે રાજકીય સમ્માન સાથે જવાનની દફનવીધિ કરવામાં આવશે. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર ઉસ્માનભાઈ એનસીસી સાથે જોડાયેલા હતા અને છેલ્લા આઠ વર્ષથી નેવીમાં ટેકનિકલ સ્ટાફમાં ફરજ બજાવતા હતા. એક વર્ષ પૂર્વે જ તેમના લગ્ન થયા હતા અને છેલ્લે બકરી ઈદની રજામાં ઘરે પણ આવ્યા હતા અને ત્રણ દિવસ પૂર્વે માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ફોનમાં વાત પણ થઈ હતી. પોતાના દીકરા સાથે આ અંતિમ વાત અને અંતિમ મુલાકાત હશે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.