Get The App

વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન પકડાયું, ત્રણની ધરપકડ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન પકડાયું, ત્રણની ધરપકડ 1 - image


- સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરોડોના ડ્રગ્સ મળવાનો સીલસીલો યથાવત

- હેરોઇન મંગાવનાર તરીકે જોડિયાના ઇશાકનું નામ ખુલ્યું, પાકિસ્તાન-ઇરાનની દરિયાઇ સરહદ નજીકથી હેરોઇનનો જથ્થો આવ્યો હતો

- હેરોઇનનું કન્સાઇન્મેન્ટ રાજકોટ બાયપાસ સુધી પહોંચાડવાનું હોવાનું ખૂલ્યું

રાજકોટ : સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાના ડ્રગ્સ મળવાનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ગીર સોમનાથ પોલીસે ગઇકાલે રાત્રે વેરાવળ બંદર નજીકથી રૂ. ૩૫૦ કરોડની કિંમતનું ૫૦ કિલો હેરોઇન ઝડપી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. હેરોઇનનો આટલો જંગી જથ્થો મંગાવનાર તરીકે જોડિયાના ઇશાકનું નામ ખૂલ્યું છે. 

ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ એમ.એમ. રાણા, એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજા સહિતની ટીમે ગઇકાલે રાત્રે વેરાવળ બંદર નજીકથી ઇકો કારમાં પસાર થયેલા આસીફ ઉર્ફે કારા જુસબ સમા (ઉ.વ૨૪, રહે. બેડેશ્વર, હાઉસીંગ બોર્ડ, રૂમ નં. ૪૦, જામનગર) અને તેના મિત્ર અરબાઝ અનવર પમા (ઉ.વ.૨૩, રહે. ગુલાબનગર, ગોસિયા મસ્જિદ પાસે, જામનગર)ને અટકાવી ઇકો કારની તલાશી લેતાં અંદરથી આશરે ૨૫ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. 

ત્યારબાદ આસીફે આપેલી માહિતીના આધારે નલીયા ગોદી પાસેથી ધર્મેન્દ્ર બુધીલાલ કશ્યપ (ઉ.વ.૩૦, મહમદપુર નરવાલ, પોસ્ટ કુર્ની, જિલ્લો કાનપુર, યુપી)ના કબજામાંથી બીજુ આશરે ૨૫ કિલો હેરોઇન ઝડપી પાડયું હતું. 

આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આસીફ જામનગરથી રાજકોટ રૂટ પર ઇકોના ફેરા કરે છે. બે વર્ષ પહેલાં તેની કારમાં જોડિયાનો ઇશાક પેસેન્જર તરીકે બેઠો હતો. જેને કારણે બંને વચ્ચે પરિચય થયો હતો, તે વખતે ઇશાકે, આસીફને માળિયા મિયાણા ખાતેથી એક પાર્સલની ડીલીવરીનું કામ સોંપ્યું હતું. જેના બદલામાં તેને રૂ. ૨૦ હજાર આપ્યા હતાં. આ પાર્સલમાં પણ ડ્રગ્સ હોવાનું હવે સ્પષ્ટ બન્યું છે. 

આ રીતે પાર્સલનું એક કન્સાઇન્મેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનાર આસીફને ગઇ તા. ૨૨ના રોજ ઇશાકે વોટ્સએપ કોલ કરી વેરાવળથી પાર્સલ લઇ તેને રાજકોટ બાયપાસ પાસે પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. તેને આ ટ્રીપ માટે રૂ. ૫૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. 

જેથી આસીફ મિત્ર અરબાઝ સાથે પોતાના શેઠની કાર ઉછીની માંગી ઇશાકે વોટ્સએપ પર આપેલા લોકેશન પર પહોંચ્યો હતો. જ્યાં કાર થોડે દૂર પાર્ક કરી દીધા બાદ ઇશાકની સૂચના મુજબ અરબાઝ સાથે દૂર જતો રહ્યો હતો. થોડીવાર બાદ તેને ઇશાકે કારમાં પાર્સલ મૂકાઇ ગયાનો વોટ્સએપ કોલ કરતાં તે અરબાઝ સાથે કાર લઇ ત્યાંથી રવાના થતા જ ગોદીની બહારથી જ અગાઉથી બાતમીના આધારે ગોઠવાયેલી ગીર સોમનાથ પોલીસની ટીમે બંનેને ઝડપી લીધા હતાં. બંનેએ આપેલી માહિતીના આધારે બાદમાં ધર્મેન્દ્રને પણ હેરોઇનના જથ્થા સાથે ઝડપી લીધો હતો. 

આરોપી ધર્મેન્દ્રની ગીર સોમનાથ પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત આપી હતી કે તે ટંડેલ છે. અવારનવાર ફીશીંગ માટે ઓમાન દેશની દરિયાઇ હદમાં જતો હતો. તે દરમિયાન મુર્તુઝા નામનો વિદેશી નાગરિક વોટ્સએપના માધ્યમથી તેના સંપર્કમાં આવ્યો હતો. 

ગઇ તા. ૨૬ જાન્યુઆરીના રોજ તે બીજા ખલાસીઓ સાથે ફિશીંગમાં ગયો હતો ત્યારે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન કે જે પાકિસ્તાન અને ઇરાનની નજીક આવેલી છે ત્યાં મુર્તુઝાએ તેનો સંપર્ક કરી તેને ૧૫૦૦થી ૧૭૦૦ કિલો મચ્છી મફતમાં આપી હતી. એટલું જ નહીં બે બાચકાનું કન્સાઇન્મેન્ટ ગુજરાત બંદરે પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. બદલામાં તેને રૂ. ૫૦ હજાર આપવાની લાલચ આપી હતી. 

જેને કારણે તે બોટમાં બંને બાચકા લઇ વેરાવળ બંદરે ગઇ તા. ૨૨ના રોજ સવારે પહોંચ્યો હતો અને જે સૂચના મળી હતી તે મુજબ તેણે આસીફને હેરોઇનનું એક બાચકુ આપી દીધું હતું. તેને હજુ રૂ. ૫૦ હજાર મળ્યા ન હોવાથી બીજુ બાચકુ તેણે બોટની આડમાં અંધારામાં સંતાડી દીધું હતું. જ્યાંથી ગીર સોમનાથ પોલીસે તેને કબજે કર્યું હતું.

હેરોઇનના એક કિલોના જથ્થાની કિંમત રૂ. 7 કરોડ

ગીર સોમનાથ જિલ્લા પોલીસે જે પ્રેસનોટ જાહેર કરી હતી તેમાં હેરોઇનની કિંમત ૨૫૦ કરોડ દર્શાવી છે પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ખરેખર હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૩૫૦ કરોડ છે. હાલમાં હેરોઇનના એક કિલોનો આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ રૂ. ૭ કરોડનો ભાવ છે. 

ગયા વર્ષે જ ચાર કરોડનો ચરસનો જથ્થો પકડી પાડયો હતો

ગયા વર્ષે જ ગીર સોમનાથ જિલ્લા પોલીસે દરિયાઇ માર્ગે આવેલો ચાર કરોડથી વધુનો ચરસનો જથ્થો પકડી પાડયો હતો. જો કે ચરસના આ જથ્થા સાથે કોઇપણ આરોપીઓ પકડાયા ન હતા. ચરસના પેકેટો દરિયાઇ કિનારા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતાં. ત્યારબાદ ગઇકાલે રાત્રે ૩૫૦ કરોડનો હેરોઇનનો જથ્થો પકડી પાડયો છે. 

સેટેલાઇટ ફોન ઉપરાંત ફિશિંગ બોટ પણ કબજે

ગીર સોમનાથ જિલ્લા પોલીસે અંદાજે ૩૫૦ કરોડનું હેરોઇન ઉપરાંત રૂ. ૧૦ લાખની ફીશીંગ બોટ, મારૂતિ કાર, ત્રણ મોબાઇલ ફોન, એક સેટેલાઇટ ફોન અને એક કીપેઇડવાળો ફોન વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે. 


Google NewsGoogle News