Get The App

હીટવેવ યથાવત્, સતત બીજા દિવસે ગરમીનો પારો 44 ને પાર

Updated: May 21st, 2024


Google NewsGoogle News
હીટવેવ યથાવત્, સતત બીજા દિવસે ગરમીનો પારો 44 ને પાર 1 - image


- દિવસનું તાપમાન સામાન્ય ઘટાડા સાથે 44.2 ડિગ્રી અને રાતનું તાપમાન 29 ડિગ્રી નોંધાયું

- દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હજુ ત્રણ દિવસ આકરી ગરમી રહેશેે, અંગ દઝાડતી ગરમીના લીધે બપોરે સ્વયંભૂ કર્ફ્યૂ

ભાવનગર : હવામાન વિભાગની હીટવેવની આગાહીને પગલે ભાવનગરમાં આજે પણ આકરી ગરમીનો અનુભવ થયો. આજે સતત બીજા દિવસે ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર રહ્યો છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ભાવનગરમાં હજુ ત્રણ દિવસ હીટવેવની પરિસ્થિતિ પ્રવર્તેલી રહેશે. આજે દિવસના તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં અંગદઝાડતી ગરમીના કારણે દિવસ દરમિયાન શહેરમાં સ્વયંભૂ કરફ્યૂની સ્થિતિ નિર્માણ પામી હતી. ગઈકાલે સિઝનની સર્વાધિક ગરમી નોંધાઈ હતી અને તેના કારણે દિવસે લૂ અને રાત્રે બફારાની સ્થિતિ રહી છે.

ભાવનગરમાં આજે પણ હીટવેવના કારણે આકરી ગરમીનો અનુભવ થયો છે. આજે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હોવા છતાં આકરી ગરમી અનુભવાઈ હતી. ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૦.૪ ડિગ્રી ઘટીને ૪૪.૨ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૨૯ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૩૫ ટકા હતું જે દિવસ દરમિયાન ઘટીને ૨૭ ટકા રહ્યું જ્યારે સવારે પવનની ગતિ ૪ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જે દિવસ દરમિયાન વધીને ૨૦ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી. ગઈકાલે આ સિઝનની સર્વાધિક ગરમી નોંધાઈ હતી. ગઈકાલે મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં સતત બીજા દિવસે ગરપમીનો પારો ૪૪ ડિગ્રીને પાર રહ્યો તથા સતત ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર રહ્યો હોવાથી દિવસે લૂ અને રાત્રે બફારાની સ્થિતિ નિર્માણ પામી છે. બપોરે આકરી અંગ દઝાડતી ગરમીના કારણે શહેરમાં સ્વયંભૂ કરફ્યૂની સ્થિતિ નિર્માણ પામી છે. લોકો બપોરના સમયે બીનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. આજની સરખામણીએ છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગરનું મહત્તમ તાપમાન ૪.૫ ડિગ્રી અને છેલ્લા ૬ દિવસમાં લઘુતમ તાપમાન ૩.૧ ડિગ્રી ઉંચકાયું છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ભાવનગરમાં હજુ ત્રણ દિવસ હીટવેવની પરિસ્થિતિ પ્રવર્તેલી રહેવાની હોવાથી લોકોએ લાંબા સમય સુધી સુર્યના સંપર્કમાં રહેવાનું ટાળવું તથા શરીરને હાઈડ્રેટ રાખવા સતત પાણીનું સેવન કરવાની અપીલ કરવામાં આવે છે. દિવસની આકરી ગરમી અને રાત્રીના બફારાથી લોકો ત્રાહીમાન પોકારી ગયા છે.

આકરી ગરમી વચ્ચે વીજકાપનો કોરડો વિંઝાશે

હીટવેવની પરિસ્થિતિના કારણે પંખા, એસી, કુલર સહિતના વીજ ઉપકરણોનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે છે તેની વચ્ચે વીજતંત્ર દ્વારા આગામી સમયમાં શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં વીજકાપ લગાવશે ત્યારે હીટવેવની અસહ્ય ગરમી વચ્ચે વીજકાપના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News