For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગરમીની મતદાન પર અસર, બપોરે મતદાન મથકો પર કાગડા ઉડયા

Updated: May 8th, 2024

ગરમીની મતદાન પર અસર, બપોરે મતદાન મથકો પર કાગડા ઉડયા

- મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.9 ડિગ્રી નોંધાયું

- સુર્યની ગરમી સામે, રાજનીતિની ગરમી મોળી પડી

ભાવનગર : ભાવનગરમાં હીટવેવની આગાહી વચ્ચે આજે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન થયું હતું. ભાવનગરમાં છેલ્લા થોડાં દિવસોની સરખામણીએ આજે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ભેજનું પ્રમાણ અને ગરમ હવાના કારણે બપોરના સમયે વધારે ગરમી અનુભવાઈ હતી. આકરી ગરમીના લીધે બપોરે ૧૨થી ૪ વાગ્યા વચ્ચે મતદાન ધીમું પડયું હતું. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે હવે આગામી દિવસોમાં ગરમીનો જોર ઘટશે.

દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય ઘટાડો, ભેજ અને પવનનું પ્રમાણ રહ્યું, બપોરે ૧૨ થી ૪ વચ્ચે ધીમા મતદાનથી રાજકીય પાર્ટીઆની ચિંતા વધી

હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી વચ્ચે આજે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન થયું હતું. ગત સપ્તાહની સરખામણીએ આજે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગત રોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૦.૪ ડિગ્રી ઘટાડા સાથે ૩૮.૨ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૧ ડિગ્રીના ઘટાડા સાથે ૨૬.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા નોંધાયું હતું જે દિવસ દરમિયાન ઘટીને ૩૯ ટકા રહ્યું હતું. તેમજ આજે સવારે પવનની ઝડપ ૬ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જે દિવસ દરમિયાન વધીને ૨૪ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે ભેજ અને ગરમ પવનનું પ્રમાણ વધારે રહેતા બપોરના સમયે ખાસ કરીને બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી વધારે ગરમી અનુભવાઈ હતી. આજે ગરમીના લીધે મતદાન પર પણ અસર દેખાઈ હતી. બપોરના સમયે મતદાનની ગતિ ધીમી પડી હતી અને ભાવનગરના મોટા ભાગના મતદાન મથકોમાં બપોરે કાગડા ઉડતા હોય તેમ ખાલી જોવા મળ્યા હતા. બપોરે ૧થી ૪ વાગ્યા વચ્ચે ધીમુ મતદાન થયું હતું. જેના લીધે રાજકીય પાર્ટીઓની ચિંતા પણ વધી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં આજે અને આવતીકાલે બુધવારે હીટવેવ અને તે બાદ ગરમીનું પ્રમાણ ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarat