Get The App

હાર્ટ એટેકના કેસોનું ફોરેન્સીક પીએમ કે ઓટોપ્સી નથી થતીઃ વધુ એકનું મૃત્યુ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
હાર્ટ એટેકના કેસોનું ફોરેન્સીક પીએમ કે ઓટોપ્સી નથી થતીઃ વધુ એકનું મૃત્યુ 1 - image


ઈન્ડીયન મેડીકલ એસો.ની ભારપૂર્વક રજૂઆત છતાં 

રાજકોટમાં અચાનક બેભાન થતા મોતના કિસ્સાની જમાદારની સાથે ડોક્ટર દ્વારા તબીબી તપાસ જરૂરી 

સામાન્ય પી.એમ.માં માત્ર હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું ખુલે પણ હાર્ટ એટેક કેમ આવ્યો તેના કારણો-તારણો શોધવામાં તંત્રની ઉદાસીનતા

 રાજકોટ: રાજકોટ સહિત રાજ્યભરમાં યુવાન અને પ્રૌઢ વયના લોકોમાં અકાળે આવતા જીવલેણ હાર્ટ એટેકના બનાવો રોકવા માટે પહેલા તેના સંભવિત કારણો અને તારણો જાણવા  જરૂરી છે અને આ માટે ઈન્ડીયન મેડીકલ  એસોસીએશને રાજ્ય સરકારને આવા દરેક કેસનું ઓટોપ્સી અથવા ફોરેન્સીક પી.એમ. કરાવવા અને દરેક કેસની મેડીકલ હિસ્ટરી મેળવીને રિસર્ચ કરવા રજૂઆતો કરી છે પરંતુ, સરકારના આરોગ્ય વિભાગે હજુ તેમાં રસ દાખવ્યો નથી. આજે રાજકોટમાં વધુ એક પચાસેક વર્ષના પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. 

રાજકોટના મોરબી રોડ પર શ્રીરામ પાર્કમાં રહેતા ઓમપ્રકાશ બચુભાઈ શર્મા તેના ઘરે સુતા હતા અને બાદ નહીં ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે અને હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યાનું પ્રાથમિક તારણ છે. બી ડિવિઝન પોલીસે તપાસ કરી છે. આવા કેસો રોજ એકાદ-બે નોંધાય છે અને તેની તપાસ પોલીસ જમાદાર દ્વારા કરવામાં આવે છે જેની સાથે જ આવા દરેક કેસની તબીબી દ્રષ્ટિએ ડોક્ટર દ્વારા પણ તપાસ કરવી અને તેનું રેકોર્ડ રાખીને આ જીવલેણ બીનચેપી રોગનું તારણ કાઢવા પ્રયાસ કરવાની જરૂર છે. 

હાલ, તમામ હાર્ટ એટેકના કેસોનું સાદુ પોસ્ટ મોર્ટમ અને ઈન્કવેસ્ટ પંચનામુ, નિવેદન લેવાય છે અને તેમાં માત્ર હાર્ટ એટેકથી મોત આવ્યું એટલું કારણ જ બહાર આવે છે પરંતુ, હાર્ટ એટેક આવ્યો તેના શરીરમાં બ્લોકેજ કે અન્ય કોઈ બિમારી હતી, ખાણીપીણીની શુ ટેવ હતી વગેરે  બાબતો ચકાસાતી નથી.


Google NewsGoogle News