લાંચનાં છટકામાં ઝડપાયેલો હેડ કોન્સ્ટેબલનો વચેટિયા રિમાન્ડ પર
નિલમબાગ સર્કલ પાસેથી વચેટિયો લાંચ લેતા ઝડપાયો હતો
નિલમબાગ પોલીસ મથકમાં બહેને કરેલી અરજીમાં અરજીમાં હેરાન નહીં કરવા ભાઈ પાસેથી ે રૂ.૭૦ હજારની લાંચ મંગાઈ હતી
બનાવઅંગે લાંચશ્વત વિરોધી બ્યૂરોના સૂત્રોએ સત્તાવાર વિગતો આપતાં ઝણાવ્યું કે, ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાએક મહિલાએ તેના ભાઈ વિરૂદ્ધ અરજી કરી હતી. જેમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાંહેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવતે તે યુવકને જવાબ લખાવવા માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.જો કે, જવાબ ન લખાવતાં તેમની સામે ગુન્હો દાખલ કરવાની ધમકી આપતાં યુવકે ગૂગલ પેથી રૂ. ૨૦ હજાર ચૂક્વ્યા હતા. જો કે, બાદમાં પણ ગુનો દાખલ કરવાની ધમકી આપી કોઇ હેરાનગતી ચાલુ રાખી લાંચ પેટેના બાકી નાણાંની ઉઘરાણી શરૂ રાખવામાં આવતાં યુવકે લાંચ રૂશ્વત કચેરીનો સંપર્ક કર્યો હતો. અને ગત બુધવારના રોજ હેડ કોન્સ્ટેબલ વતી લાંચ પેટેની બાકી રકમ રૂ.૫૦,૦૦૦ સ્વીકારવા જતાં હેડ કોનસ્ટેબલનો કથિત વચેટિયો જિતેન્દ્ર અરવિંદભાઇ દવે ( રહે.વડવા ચોરા ,ભાવનગર ) નિલમબાગ સર્કલેથી આબાદ ઝડપાઈ ગયો હતો. જયારે, આ ગુન્હામાં હેડ કોન્સ્ટેબલ પોલીસ ગિરફતમાં આવ્યો ન હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ ગુન્હો નોંધી કથિત વચેટિયાને રિમાન્ડની માંગ સાથે આજે સાંજે કોર્ટમાં રજૂ કર્યો હતો.જયાં તપાસનિશ અધિકારીએ વિવિધ માંગણી સંદર્ભે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જયારે, કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું તપાસનિશ અધિકારીએ વિગત આપતાં જણાવ્યું હતું.
ગૂગલ પેથી કોને રકમ ટ્રાન્સફર કરાઈ હતી? તપાસનો ધમધમાટ
ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ જાહેર કરેલી પ્રેસ યાદીમાં અરજદાર ફરિયાદીને ે હેરાન ન કરવા બદલ રૂ.૭૦ હજારની લાંચ માંગવામાં આવી હતી. જેમાં તેમણે લાંચ પેટે રૂ.૨૦ હજાર ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે, આ રકમ ફરિયાદી યુવકે કોના ખાતામાં કે કોના મોબાઈલમાં ટ્રાન્સફર કર્યા હતા? અને ટ્રાન્સફર રકમ સ્વીકારનાર પોલીસ કર્મચારી હતો કે અન્ય કોઈ? તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે, સમગ્ર મામલામાં ઉંડાણપૂર્વકની તટસ્થ તપાસ થાય તો ઘણાં રહસ્યસ્ફોટ બહાર આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે.