Get The App

અરજીના મામલે હેરાન ન કરવા 50 હજારની લાંચ લેતો હે. કો. રંગેહાથ ઝડપાયો

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
અરજીના મામલે હેરાન ન કરવા 50 હજારની લાંચ લેતો હે. કો. રંગેહાથ ઝડપાયો 1 - image


- ભાવનગરની નિલમબાગ પોલીસના વધુ એક કર્મીના કારનામાં ખુલ્લા પડયા 

- બહેને કરેલી અરજીમાં ગુન્હો દાખલ કરવાનું કહી લાંચિયા કર્મીએ  ભાઈ પાસેથી 20 હજાર ગૂગલ પેથી સ્વીકાર્યા હતા,વચેટિયાની શોધખોળ   

ભાવનગર : બહેને કરેલી અરજીમાં હેરાન નહીં કરવા બદલ ભાઈ પાસેથી ૭૦ હજારની લાંચ માંગી ગૂગલ પેથી ૨૦ હજાર એડવાન્સ લઈ બાકીની રૂ. ૫૦ હજારની લાંચ લેતાં ભાવનગરના નિલમબાગ પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ રૂશ્વત વિભાગના અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. 

ભાવનગર પોલીસ બેડાની કામગીરીને બટ્ટો લગાડતી ઘટનાની વિગત એવી છે કે, ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેમના ભાઈ વિરૂદ્ધ  અરજી કરી હતી. જેના પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદ્દમસિંહ જેતાવતે અરજીના મામલે  યુવકને જવાબ લખાવી જવા બોલાવ્યો હતો. જો કે, દરમિયાનમાં ભાઈ-બહેન વચ્ચે સમાધાન થઈ જવા છતાં હેડ કોન્સ્ટેબલે યુવકને ધમકી આપી તેમની વિરૂદ્ધ ગુન્હો દાખવ કરવાનું કહી હેરાન કર્યો હતો. અને અરજીના મામલે હેરાનગતિ સહન ન કરવી હોય તો પતાવટ પેટે રૂ.૭૦ હજારની લાંચ માંગી હતી. જે તે વખતે યુવકે દબાણમાં આવી તેમના ભાઈ મારફતે ગૂગલ પે મારફતે હેડ કોન્સ્ટેબલને આપ્યા હતા. જયારે, બાકીના રૂ.૫૦ હજાર માટે હેડ કોન્સ્ટેબલનો વચેટિયો વહિવટદાર જિતેન્દ્ર અરવિંદભાઈ દવે (રહે. વડવા ચોરા,ભાવનગર) યુવક પાસે ઉઘરાણી કરતો હતો. જેનાથી કંટાળી યુવકે લાંચ રૂશ્વત કચેરીને જાણ કરી ફરિયાદ કરી હતી. જેના પગલે કચેરીએ ં આજરોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું. 

દરમિયાનમાં આજે સાંજના સુમારે હેડ કોન્સ્ટેબલ શહેરના નિલમબાગ સર્કલે યુવક પાસેથી લાંચની રકમ લેવા આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલે યુવક પાસેથી લાંચ પેટે રૂ. ૫૦ હજાર સ્વીકાર્યા કે તુરંત જ અમદાવાદ લાંચ રૂશ્વત કચેરીના પીઆઈ બારોટ અને તેમની ટીમે હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી પાડયો હતો. અને તેની વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી. જયારે, આ ગુન્હામાં મદદગારી કનાર વચેટિયા વહીવટદારને શોધવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. 

ઉલ્લેખનીય છે કે, છરી સાથે ઝડપાયેલા શખ્સના મોબાઇલમાંથી જીએસટીને સંબંધિત ૮૦ પીડીએફ ફાઇલો મળવાના મામલે ભીનુ સંકેલવા જતા નિલમબાગ પો.સ્ટે.ના પી.આઇ. અને પાંચ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ લીવ રિઝવમાં મુકી દીધા હતાં. આ પણ અધુરૂ હોય તેમ આ જ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીકથી જ દારૂ ભરેલું આઇસર ઝડપાયું હતું. બાદમાં આજે આ જ પોલીસ સ્ટેશનનો એક કર્મચારી લાંચ લેતા ઝડપાતા પોલીસ સ્ટેશન વધુ એક વિવાદમાં આવ્યું છે.


Google NewsGoogle News