મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખ આપી એક કરોડ પડાવી લીધા
રાજકોટમાં રહેતા બીપીસીએલના નિવૃત્ત અધિકારી 'શિકાર' બન્યા
મની લોન્ડરીંગ કેસમાં ધરપકડની ધમકી આપી ડરાવ્યા, સુપ્રિમ કોર્ટ અને આરબીઆઈના બનાવટી સહી-સિકકાવાળી નોટિસો પણ મોકલી
રાજકોટ: મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે કોલ કરી મની લોન્ડરીંગ કેસમાં ધરપકડના નામે ડરાવી રાજકોટના એરપોર્ટ પાસેની યોગેશ્વર સોસાયટીમાં રહેતાં બીપીસીએલના નિવૃત અધિકારી અશ્વિનભાઈ માનસિંહ તલાટીયા પાસેથી સાયબર ગઠીયાઓએ રૂા.૧.૦૩ કરોડની રકમ પડાવ્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. બે મહિના પહેલાના આ કિસ્સા અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ રીતે રાજકોટમાં અન્ય એક વ્યક્તિ પાસેથી પણ લાખો રૂપિયા પડાવાયાની માહિતી મળી છે. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં જ અરજી થઈ છે. એકલા રાજકોટમાં જ નહીં પરંતુ આ રીતે દેશભરમાં અનેક લોકોને સાયબર ગઠીયાઓએ શિકાર બનાવ્યા છે. જે અંગે જુદા-જુદા પોલીસ મથકોમાં ફરિયાદો પણ નોંધાવાઈ છે.
ભોગ બનનાર અશ્વિનભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બીપીસીએલ કંપનીમાંથી નિવૃત થઈ ગયા છે. વોટસએપ, ફેસબુક, સ્કાઈપ જેવી સોશિયલ મીડીયા એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. ગઈ તા.૯ જૂલાઈના રોજ ઘરે હતા ત્યારે વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ હિન્દીમાં વાત કરતા કહ્યું કે હું મુંબઈ ક્રાઈમ બ્રાંચથી પોલીસ ઈન્સ્પેકટર અજય પાટીલ બોલું છું. તમારા વિરૂધ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં એફઆઈઆર નોંધાઈ છે. જેમાં નરેશ ગોયેલ નામના શખ્સની મની લોન્ડરીંગના કેસમાં ધરપકડ કરી છે. તેની પાસેથી કેનેરા બેન્કનું એકાઉન્ટ અને એટીએમ કાર્ડ મળ્યા છે.
ત્યાર પછી તેણે મારા સિનિયર ઓફીસર વિનયકુમાર ચોબે સાથે વાત કરો તેમ કહ્યું હતું. તે સાથે જ બીજો શખ્સ લાઈન પર આવ્યો હતો. જેણે કહ્યું કે તમારું એરેસ્ટ વોરન્ટ નીકળ્યું છે, તમને બે કલાકમાં સીબીઆઈનો સ્ટાફ અરેસ્ટ કરી લેશે. આ પછી તમારો કેસ ચેક કરું તેમ કહ્યા બાદ કહ્યું કે તમારા વિરૂધ્ધ એરેસ્ટ વોરન્ટ નીકળી ગયું છે, હવે આ કેસ મારા હાથમાં નથી, હવે મારા સિનીયર આકાશ કુલહરી સાથે વાત કરો જો તમને કોઈ રાહત થતી હોય તો.
તે સાથે જ આકાશ કુલહરી નામ ધારણ કરનાર શખ્સ લાઈન પર આવ્યો હતો. જેણે કહ્યું કે તમે સ્કાઈપ એપ ડાઉનલોડ કરો, જેથી તેણે ડાઉનલોડ કરતા આવડતું નહીં હોવાનું કહેતાં તેના વોટસએપમાં સ્કાઈપ એપ્લીકેશનનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. જેમાં આઈડી હતી.
જેથી તેના જણાવ્યા મુજબ સ્કાઈપ એપ્લીકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. થોડીવાર બાદ તેને આ કેસમાંથી નીકળવું હોય તો સુપ્રિમ કોર્ટમાં હાજર થવાનું કહ્યું હતું. એટલું જ નહી એપ્લીકેશનમાં તેને સુપ્રિમ કોર્ટની નોટિસ પણ મોકલ્યાનું કહ્યું હતું. પરિણામે એપમાં ચેક કરતાં નોટિસ જોવા મળી હતી. બાદમાં તેણે કહ્યું કે પોતે બે કલાકમાં સુપ્રિમ કોર્ટમાં નહીં પહોંચી શકે.
આ વાત સાંભળી સામેથી કહેવાયું કે તમારું ફાયનાન્સ આરબીઆઈ ઓડિટર પાસે ચેક કરાવવું પડશે, હું તમને ફરીથી કોલ કરું છું તેમ કહી કોલ કટ કરી નાખ્યો હતો.
થોડી વાર બાદ ફરીથી તેજ મોબાઈલ નંબર પરથી કોલ કરી કહ્યું કે તમારી આરબીઆઈ પાસેથી મંજુરી લઈ લીધી છે, હવે હું કહું તે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો, ત્યાં સુધી તમારું વોરન્ટ ટેમ્પરરી સ્ટોપ કરાવ્યું છે, એટલીવારમાં તમે બધા પૈસા ટ્રાન્સફર કરી નાખો. તે સાથે જ સ્કાઈપ એપ પર એકાઉન્ટ નંબરો મોકલ્યા હતા. જેમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા તેણે કટકે-કટકે કુલ રૂા.૧,૦૩,૬૭,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા.
આ દરમિયાન આકાશ કુલહરી નામ ધારણ કરનાર શખ્સે કહ્યું કે તમારે મને દર અડધી કલાકે વોટસએપમાં મેસેજ અને રીપોર્ટ કરવાનો રહેશે, જો તેમ નહીં કરો તો તમારી પાછળ સીબીઆઈ અને મની લોન્ડરીંગવાળા છે, તમારી જાનનું જોખમ છે.
ફરિયાદમાં અશ્વિનભાઈએ આગળ જણાવ્યું છે કે આ વાત સાંભળી તેઓ ડરી ગયા હતા અને આરોપીઓના કહેવા મુજબ બધુ કરવા લાગ્યા હતા. આરોપીઓએ એમ પણ કહ્યું કે કેસની ઇન્કવાયરી પુરી થાય એટલે તમે જમા કરાવેલી રકમ પરત આપી દેવામાં આવશે. આ રીતે તેનું બધુ સેવીંગ ટ્રાન્સફર કરી નાખ્યું હતું.
બીજી તરફ આકાશ કુલહરી નામ ધારણ કરનાર શખ્સે કહ્યું કે તમારે હજૂ આ કેસના ઈન્સપેકશન માટે રૂા.૩૦ લાખ જમા કરાવવા પડશે. આ સ્થિતિમાં મિત્ર હર્ષદભાઈ વિનોદરાય આશર પાસે હાથ ઉછીના રૂા.૩૦ લાખ લેવા ગયા હતા અને તેને સંપૂર્ણ હકિકત જણાવતાં કહ્યું કે આ તો ફ્રોડ છે.
આખરે આ અંગે ગઈ તા.ર૬ જૂલાઈના રોજ ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસના પીઆઈ બી.બી. જાડેજાએ જે નંબર પરથી કોલ આવ્યો હતો તેના ધારકો ઉપરાંત જે બેન્ક ખાતામાં રકમ જમા થઈ તેના ધારકો વિરૂધ્ધ આઈટી અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
બેક ગ્રાઉન્ડમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચનો લોગો જોઈ ફરિયાદી સાચું માની બેઠા હતા
રાજકોટ: સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ફરિયાદીને આરોપીઓએ સ્કાઈપ પર જયારે કોલ કર્યો ત્યારે બેક ગ્રાઉન્ડમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચનો લોગો દેખાતો હતો. જેને કારણે ફરિયાદી ખરેખર મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી જ કોલ આવ્યાનું સમજી બેઠા હતા. આ જ પ્રકારના કોલ રાજકોટ જ નહીં અનેક શહેરોના લોકોને આવી ચૂકયા છે.