હળવદનો યુવાન રહસ્યમય સંજોગોમાં ગુમ : હત્યા કરાયાની આશંકા વ્યક્ત

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
હળવદનો યુવાન રહસ્યમય સંજોગોમાં ગુમ : હત્યા કરાયાની આશંકા વ્યક્ત 1 - image


મોરબીના નામચીન શખ્સે અપહરણ કર્યું હોવાની ફરિયાદ

લાખોની રકમ પડાવી લઈ, ખોટું સોદાખત બનાવી ચીટીંગ કરી, હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી ગુમ કરી દેવાયાની યુવાનના ભાઈની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

મોરબી: હળવદમાં રહેતા અને મોરબીના ટીંબડી પાટીયા ખાતે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતો યુવનાન રહસ્યમય સંજોગોમાં ૨૦મી જૂનથી ગુમ થયા બાદ આજ સુધીમાં તેનો કોઈ પત્તો ન મળતા મોરબીના નામચીન શખ્સ કે જે અગાઉ જેતપુરમાં બાળકના હત્યા કેસમાં જેલ સજા ભોગવી ચૂક્યો છે. તેણે યુવાન પાસેથી લાખોની રકમ પડાવી, ખોટું સોદાખત બનાવી ચીટીંગ કરી, હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી ગુમ કરી દીધાની ફરિયાદ ગુમ યુવાનના ભાઈએ મોરબી એ.ડિવિઝન પોલીસમાં નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.ફરિયાદમાં યુવાનની હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરાઇ છે.

હળવદના સરા રોડ પર રહેતા શિક્ષક શૈલેષભાઈ રમેશભાઈ કૈલાએ મોરબી એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો નાનો ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા (ઉ.વ.૩૪) કે જે તેમની સાથે હળવદ ખાતે રહે છે અને ટીંબડી પાટિયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવે છે. તેઓ તા.૨૦મી જૂને આરોપી જીતેન્દ્ર આયદાનભાઈ ગજીયાની નાની વાવડી ગામ પાસે સતનામ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસે ગયા બાદ રહસ્યમય સંજોગોમાં લાપત્તા બની ગયા છે. અને હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.

ફરિયાદમાંજણાવાયું છે કે, તેમના ભાઈ જીતેન્દ્ર કૈલાએ આરોપી જીતેન્દ્ર ગજીયાને જમીન લેવા સોદાખત માટે ૧૦ લાખ અને બાદમાં ધીરાણ ભરવા ૮ લાખ આપ્યા હતા.ં અને તે રકમ લેવા માટે ૨૦મી જૂને તેમના ભાઈ જીતેન્દ્ર કૈલા આરોપી જીતેન્દ્ર ગજીયાની ઓફિસે ગયા હતાં. ત્યારે તેના ભાઈના મોબાઈલમાંથી આરોપી જીતેન્દ્ર ગજીયાએ ભાઈના પત્ની વર્ષાબેનને વિડીયોકોલ કરી તમારા પતિને ૧૦ લાખ આપું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં સાંજે તેમના ભાઈને તેમની પત્નીએ ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેથી આરોપી જીતેન્દ્ર ગજીયાને પૂછતા તે તેમની ઓફિસેથી નિકળી ગયાનું જણાવ્યું હતું.

તપાસ બાદ પતો ન મળતા  બીજે દિવસે ૨૧મી જૂને હળવદ પોલીસમાં તેમનો ભાઈ ગુમ થયાની ગુમ નોંધ કરાવી હતી. અરજી હળવદ પોલીસે મોરબી સિટી એ.ડિવિઝન પોલીસમાં ટ્રાન્સફર કરતા મોરબી પોલીસે આરોપી જીતેન્દ્ર ગજીયાને નિવેદન માટે બોલાવ્યો હતો. ત્યારે તપાસમાં તેના મોબાઈલમાં રવાપરની જમીનનું બોગસ સોદાખત મળી આવ્યું હતું.અને તે તેનો મોબાઈલ પોલીસ સ્ટેશને મૂકી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

દરમિયાન પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરતા છેલ્લે જીતેન્દ્ર કૈલાની હાજરી આરોપી જીતેન્દ્ર ગજીયાની ઓફિસે જોવા મળી હતી. અને બાદમાં જીતેન્દ્ર કૈલાના કપડાં તથા હેલ્મેટ પહેરી કોઈ અન્ય શખ્સ જતો હોવાના સીસીટીવી ફુટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે.

દરમિયાન તેમના ભાઈના ફોનમાંથી તેમના પત્નીને તથા ફરિયાદીને આઈપીએલમાં ૯૫ લાખ હારી ગયો છું એટલે મારે જવું પડયું હોવાનો મેસેજ મળ્યો હતો. પરંતુ તે તેમના ભાઈએ નહી કોઈ અન્ય વ્યક્તિએ મોકલાવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. તથા અગાઉ આરોપીએ ફરિયાદીના ભાઈએ યુવતી સાથે આબુ ફરવા લઈ જઈ હનીટ્રેપમાં પણ ફસાવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છેકે, આરોપી જીતેન્દ્ર ગજીયાને જેતપુરમાં બાળકના મર્ડર કેસમાં જેલસજા થઈ હોઈ ૧૦ વર્ષ જેલમાં રહી આવેલ છે. ફરીયાદીના ભાઈ પાસેથી લીધેલી લાખોની રકમ પરત ન આપવી પડે તે માટે તેમના ભાઈનું અપહરણ કરી ગોંધી રાખી ગુમ કરી દીધાની તથા તેનું મર્ડર કરી નાખ્યાની શંકા વ્યક્ત કરાઈ છે. મોરબી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News